મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં માનવ-વન્યજીવ ઘર્ષણની ઘટનામાં ઘટાડો થાય તેવા ઉદેશ સાથે ખેડૂતો અને સિંહોના હિતમાં ખેતરમાં બનાવવામાં આવતા મંચાણ-મેડા સહાયમાં નોંધપાત્ર ૧૨૨ ટકાનો તેમજ ખુલ્લા કૂવાના ફરતે પેરાપીટ વોલની સહાયમાં ૪૦ ટકાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. આ વિસ્તારના ખડૂતોના ખેતરમાં બનવામાં આવતા મંચાણમાં સહાય આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮થી અમલી બનાવવામાં આવી છે તેમ, વન અને પર્યાવરણની વિભાગની યાદીમાં જણાવાયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન્યજીવ સંરક્ષણ, સંવર્ધન પ્રત્યેની સકારાત્મક નીતિ તેમજ સ્થાનિક નાગરિકોના સહકારને પરિણામે એકમાત્ર ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા રાષ્ટ્રની શાન સમાન એશિયાઇ સિંહો સહિત વન્યજીવોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. આ પ્રયાસોના પરિણામે સિંહોની અવર-જવર ગીર-બૃહદગીર વિસ્તાર તથા રેવન્યુ વિસ્તારમાં પણ જોવા મળે છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ યોજનામાં ૭૫ ટકા રકમ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે જ્યારે ૨૫ ટકા રકમ લાભાર્થી-ખેડૂત દ્વારા ચૂકવવામાં આવે છે. હાલ એક મંચાણનો અંદાજિત
ખર્ચ રૂ.૧૭,૩૦૦ના ૭૫ ટકા રકમ એટલે કે રૂ.૧૨,૯૭૫ની સહાય સરકાર દ્વારા આપવામાં આવતી હતી, જેમાં હવે વધારો કરી નવી જોગવાઈ મુજબ મંચાણના અંદાજિત ખર્ચ રૂ. ૩૮,૪૨૮ના ૭૫ ટકા રકમ એટેલે કે રૂ.૨૮,૮૨૧ સહાય તરીકે આપવામાં આવશે. જ્યારે એક મંચાણ બનાવવાની સહાયમાં સરકાર દ્વારા લાભાર્થીને આપવામાં આવતી રૂ.૧૨,૯૭૫ની સહાયમાં વધારો કરી રૂ.૨૮,૮૨૧ કરવામાં આવ્યો છે. આમ, હાલની જોગવાઈમાં પ્રતિ મંચાણ રૂ.૧૫,૮૪૬ રકમનો સરકાર દ્વારા વધારો એટલે કે હાલની મળતી સહાયમાં ૧૨૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ઉપરાંત આ વિસ્તારમાં ખેડૂતોની ખેતી પ્રત્યે જાગૃતતા આવતાં, વધુને વધુ ઉત્પાદન લેવા માટે વાવેતરના પાકોને પિયત કરવા ખેડૂતો દ્વારા તેઓના ખેતરમાં કૂવાઓ બનાવતા હોય છે. પરંતુ આ ખેડૂતો કૂવાઓની પેરાપેટ વોલ બનાવતાં નથી. જેના કારણે સિંહો શિકાર પાછળ દોડે છે ત્યારે અકસ્માતે તે આવા ખૂલ્લા કૂવામાં પડવાથી મૃત્યુ પામે છે અથવા ઇજાગ્રસ્ત થતા હોય છે. જેથી વન્યજીવોના સંરક્ષણ અર્થે ખુલ્લા કૂવાઓના પેરાપીટના બાંધકામની સહાય અંગે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭ થી ખુલ્લા કૂવા ફરતે પેરાપીટ વોલ બનાવવાની યોજના અમલમાં મૂકવામાં
આવી છે.
આ યોજનામાં ૯૦ ટકા રકમ સરકાર દ્વારા સબસિડી પેટે આપવામાં આવે છે તથા ૧૦ ટકા રકમ લાભાર્થી-ખેડૂતોએ આપવાની રહે છે. હાલમાં એક પેરાપીટ વોલ બનાવવાનો અંદાજિત ખર્ચ રૂ.૧૬,૦૦૦ના ૯૦ ટકા રકમ પેટે રૂ.૧૪,૪૦૦ની સહાય સરકાર દ્વારા આપવામાં આવતી હતી, જેમાં હવે વધારો કરી નવી જોગવાઈ મુજબ પેરાપીટ વોલ બનાવવાનો અંદાજિત ખર્ચ રૂ. ૨૨,૫૧૦ના ૯૦ ટકા રકમ રૂ.૨૦,૨૫૯ સહાય તરીકે આપવામાં આવશે.
જેમાં સરેરાશ ૧૦ મી. લંબાઈને ધ્યાને લઈ પેરાપીટ વોલ બનાવવાની યોજનામાં સરકાર દ્વારા લાભાર્થીને આપવામાં આવતી રૂ.૧૪,૪૦૦ની સહાયમાં વધારો કરી રૂ.૨૦,૨૫૯ કરવામાં આવી છે. આમ, હાલની જોગવાઈમાં પ્રતિ પેરાપીટ વોલ માટે રૂ. ૫,૮૫૯ની સહાયનો વધારો એટલે કે હાલની મળતી સહાયમાં ૪૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે