ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે પૂરજોશથી આગળ વધી રહી છે અને તેની સાથે જ ગુજરાતી સંગીત પણ નવા રંગરૂપ સાથે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહયું છે! ૨૦૧૭ના વર્ષમાં ઘણી બધી અર્બન ગુજરાતી ફિલ્મો સફળ રહી, જેમાંની એક છે ‘ચોર બની થનગાટ કરે’.
આ ફિલ્મમાં અમિત મિસ્ત્રી ના અભિનય અને સચિન-જીગરના સંગીત દ્વારા દર્શકોના દિલમાં થનગાટ તો થયો જ છે. સચિન સંઘવી અને જીગર સરૈયાએ મૂળ ગુજરાતી યુવા સંગીતકાર જોડી છે, જે અત્યારે બોલીવૂડમાં પણ ધૂમ મચાવી રહી છે. આજ કારણથી તેઓ યુવા ચાહકોનો બહોળો વર્ગ ધરાવે છે !
‘ચોર બની થનગાટ કરે’ ફિલ્મનું એક ગીત ૨૦૧૭નું સૌથી સફળ ગીત સાબિત થયું છે. એ ગીત એટલે કે ‘ભૂલી જવુ છે’. મૂળ ગીત સચિન સંઘવી દ્વારા ગવાયેલ છે જે યુવા વર્ગમાં ખૂબજ પ્રચલિત થયું છે. આ ગીતના વિવિધ ‘કવર વર્ઝન’ પણ યૂટ્યૂબ પર જોવા મળશે.
તાજેતરમાં જ રાજકોટના એક ઉભરતા સંગીતકાર અક્ષય દવે દ્વારા ‘ભૂલી જવુ છે’ ગીતનું એક નવું જ ‘લાઉન્જ વર્ઝન’ તૈયાર કરવામાં આવ્યું છે, જે શ્રોતાઓને ફરીથી મંત્રમુગ્ધ કરી રહ્યું છે. મૂળ ગીતના ગીતકાર છે નિરેન ભટ્ટ, જે હિન્દી તથા ગુજરાતી ફિલ્મો અને સીરીયલના પ્રખ્યાત લેખક છે. યુવા કલાકાર અક્ષય દવે એ મૂળ ગીત ના એજ શબ્દો ને પોતાની આગવી ઢબે નવા સંગીતના રંગરૂપ સાથે તૈયાર કર્યા છે. ૨૦૧૭ના નવા વર્ષમાં લોન્ચ થયેલ આ ‘કવર વર્ઝન’ યૂટ્યૂબ પર દર્શકોની ચાહના મેળવી રહ્યું છે!