૧૦૮ ઋષિકુમારોની મહા આરતી, ‘ગરવી ગર્લ્સ’ની સંગીતમય રજૂઆત અને સારાંશ ફાઉન્ડેશનની સમાવેશી પહેલ બની આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદ/ગાંધીનગર: ડીપીએસ ગાંધીનગર દ્વારા ત્રિનાદ ગરબા 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને નવરાત્રિના આધ્યાત્મિક મહત્ત્વને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં સંગીત, ભક્તિ, વિદ્યાર્થી પ્રતિભા અને સામાજિક સમાવેશિતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડીપીએસ ગાંધીનગરની પ્રતિભાશાળી વિદ્યાર્થી ગાયિકાઓની ટીમ ‘ગરવી ગર્લ્સ’ રહી હતી. આ ટીમે જાણીતા કલાકાર આકાશ જોશી સાથે ઓર્કેસ્ટ્રા ટીમ તરીકે સંગીતમય રજૂઆત કરી હતી. સાથે જ ‘બબલા બોયઝ’ની ઉત્સાહભરી રજૂઆતથી કાર્યક્રમમાં સંગીતમય માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સંગીતકૌશલ્ય રજૂ કરવા માટે એક વિશેષ મંચ મળ્યો હતો.
૧૦૮ ઋષિકુમારોની મહા આરતી બની વિશેષ આકર્ષણ
ત્રિનાદ ગરબા 2026માં ૧૦૮ ઋષિકુમારો દ્વારા કરવામાં આવેલી મહા આરતી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભક્તિભાવ અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે યોજાયેલી આ આરતીએ નવરાત્રિની પરંપરા, શ્રદ્ધા અને સામૂહિક પ્રાર્થનાના મહત્ત્વને ઉજાગર કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ આધ્યાત્મિકતાનો અનોખો અનુભવ કર્યો હતો.
સારાંશ ફાઉન્ડેશનની સમાવેશી પહેલ
સાંસ્કૃતિક ઉજવણીની સાથે સામાજિક જવાબદારીને પણ પ્રાધાન્ય આપતાં ડીપીએસ ગાંધીનગર દ્વારા વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોના સશક્તિકરણ અને વિકાસ માટે કાર્યરત ‘સારાંશ ફાઉન્ડેશન’ને કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના વિશેષ સ્ટોલમાં બાળકોના જીવનકૌશલ્યના વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પહેલનો હેતુ વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોની ક્ષમતાઓ પ્રત્યે જાગૃતિ વધારવા અને દરેક બાળકને શીખવા, વિકસવા તથા પોતાની પ્રતિભા વ્યક્ત કરવાની સમાન તક મળે તેવા સમાવેશી સમાજના નિર્માણને પ્રોત્સાહન આપવાનો હતો.
સંસ્થાના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે ડીપીએસ ગાંધીનગરના પ્રો-વાઇસ ચેરમેન અપૂર્વ ગોએન્કા અને ભોલારામ એજ્યુકેશન સોસાયટીનાં મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલ ગોએન્કા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “ત્રિનાદ માત્ર સંગીત અને પરંપરાની ઉજવણી નથી, પરંતુ યુવા પ્રતિભાને વિકસાવવા, સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખવા અને દરેક બાળકને આગળ વધવાની તક મળે તેવો સમાજ ઘડવાની અમારી દૃષ્ટિનું પ્રતિબિંબ છે. અમારા વિદ્યાર્થીઓ અને સારાંશ ફાઉન્ડેશનનાં બાળકોની ભાગીદારીએ આ ઉજવણીને વિશેષ અર્થપૂર્ણ બનાવી છે.”
લાઇવ સંગીત, ભક્તિ, વિદ્યાર્થી પ્રતિભા અને સામાજિક સમાવેશિતાના સંદેશ સાથે ત્રિનાદ ગરબા 2026ની ઉજવણી સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમ દ્વારા એકતા, પરંપરા, કરુણા અને સામૂહિક આનંદની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.

