સોનીપત: મુંબઈમાં બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરવાના કેસમાં ત્રણ આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ આરોપીઓમાંથી બે હરિયાણાના રહેવાસી છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ના જવાનોએ એક ટ્રેનમાંથી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ, હરિયાણાના બે શૂટરોની ઓળખ ફૂલ સિંહ, પિતા નરેશ, રહેવાસી બડૌદા થૂથન ગામ અને રેહાન, પિતા રિશુદ્દીન અન્સારી, રહેવાસી ઈદગાહ કોલોની, સદર, સોનીપત તરીકે થઈ છે. રેહાન સામે અગાઉ પણ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ પણ કેસ નોંધાયો હતો. રેહાન છેલ્લા ઘણા દિવસોથી ઘરેથી ગાયબ હતો. ત્રીજા આરોપીની ઓળખ ઋતિક કુમાર ઉર્ફે રોશન, પિતા રામુ, રહેવાસી બિહાર તરીકે થઈ છે. અહેવાલો અનુસાર, આ તમામ આરોપીઓ લોરેન્સ ગેંગ સાથે જોડાયેલા છે.
ફાયરિંગની જવાબદારી લેનાર ગેંગસ્ટર અમેરિકામાં હોવાની માહિતી
બીજી તરફ, એક્ટર ટાઇગર શ્રોફ પર ફાયરિંગની જવાબદારી લેનાર ગેંગસ્ટર અનિલ પંડિત હરિયાણાના પાણીપત જિલ્લાના રેરકલાં ગામનો રહેવાસી છે. વર્ષ 2022માં તે નોકરી માટે દુબઈ ગયો હતો. ત્યારબાદ વર્ષ 2024માં તે ડંકી રૂટ મારફતે અમેરિકા પહોંચ્યો હતો.
અનિલ પંડિતનાં માતા-પિતા હાલમાં ગામમાં રહેતા નથી. તેઓ કરનાલ જિલ્લાના તરાવડીમાં રહે છે. ફાયરિંગના આ કેસમાં આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

