Ahmedabad : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવેલી એરપોર્ટ કોલોનીમાં મા દુર્ગાની ભવ્ય પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 28 વર્ષથી યોજાતી આ દુર્ગા પૂજામાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાર્વજનિક દુર્ગા પૂજા સમિતિ દ્વારા આયોજિત આ ઉત્સવમાં ધાર્મિક પરંપરાઓની સાથે બંગાળી સંસ્કૃતિની વિશેષ ઝલક જોવા મળી રહી છે. માતાજીની ભવ્ય પ્રતિમા, પરંપરાગત પૂજા-અર્ચના અને વાદ્યયંત્રોના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે.
સમિતિના સ્થાપક સભ્ય સુબ્રત સરકારે જણાવ્યું હતું કે, એરપોર્ટ કોલોનીમાં યોજાતી આ દુર્ગા પૂજા અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોના ભક્તોને પણ આકર્ષે છે. કોલકાતા અને ગોવા સહિત વિવિધ શહેરોમાંથી શ્રદ્ધાળુઓ મા દુર્ગાનાં દર્શન કરવા માટે અહીં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માતાજીની પ્રતિમા તૈયાર કરવા માટે કોલકાતાથી કારીગરો બે મહિના અગાઉ અમદાવાદ આવી જાય છે. પ્રતિમાને પરંપરાગત અને આકર્ષક સ્વરૂપ આપવા માટે કારીગરો વિશેષ મહેનત કરે છે. આ ઉપરાંત, ધાર્મિક વિધિઓ માટે પૂજારીઓ અને પરંપરાગત વાદ્યયંત્રો વગાડતા કલાકારોને પણ કોલકાતાથી આમંત્રિત કરવામાં આવે છે.
આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે અમદાવાદ એરપોર્ટના જનરલ મેનેજર વિપીન શેઠ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
28 વર્ષથી શ્રદ્ધા અને સંસ્કૃતિનો સંગમ
એરપોર્ટ કોલોનીની દુર્ગા પૂજા માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ વિવિધ સમાજના લોકોને એકસાથે જોડતું સાંસ્કૃતિક પર્વ પણ બની છે. વર્ષોથી જળવાયેલી આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે આગળ વધી રહી છે. માતાજીનાં દર્શન માટે ઉમટતા ભક્તો અને ઉત્સવમાં જોવા મળતી રોનક અમદાવાદના ધાર્મિક તથા સાંસ્કૃતિક જીવનમાં આ આયોજનનું વિશેષ મહત્ત્વ દર્શાવે છે.

