સૂર્યકુમાર યાદવે ટી20 ટીમમાંથી હટાવવાને લઈને કર્યો ધડાકો, કહ્યું- અજિત અગરકરનો એક ફોન આવ્યો અને…

Rudra
2 Min Read

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ વર્ષની શરૂઆતમાં ભારતને 2026 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડ્યો હતો. જોકે, ત્યારબાદ સૂર્યકુમાર યાદવને માત્ર કેપ્ટનશિપ પરથી જ હટાવવામાં આવ્યા નહીં, પરંતુ T20 ટીમ ઈન્ડિયામાં પણ તેમનું સ્થાન રહ્યું નહીં. હવે સૂર્યકુમાર યાદવે T20 ટીમમાં થયેલા આ મોટા બદલાવ અંગે ખુલાસો કર્યો છે.

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમની કેપ્ટનશિપ હેઠળ ભારત એક પણ T20 સિરીઝ હાર્યું નહોતું. આ ઉપરાંત ભારતે એશિયા કપ 2026 અને T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી પણ જીતી હતી. પરંતુ ત્યારબાદ ખરાબ ફોર્મના કારણે સૂર્યકુમાર યાદવનું T20 ટીમમાં સ્થાન અચાનક સમાપ્ત થઈ ગયું. એક યુટ્યુબ ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે તેમને અચાનક ફોન આવ્યો અને આ નિર્ણયની જાણ થઈ હતી. તેમના માટે આ નિર્ણય સ્વીકારવો સરળ નહોતો. સૂર્યકુમાર યાદવે કહ્યું કે આ નિર્ણય બાદ તેઓ લગભગ દોઢ મહિના સુધી ઘરની બહાર પણ નીકળ્યા નહોતા. તેઓ સતત વિચારતા હતા કે આવું કેવી રીતે થઈ શકે અને ટીમમાં બદલાવની જરૂરિયાત શા માટે ઊભી થઈ.

ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરે સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ અય્યરને T20 ટીમના નવા કેપ્ટન તરીકે પસંદ કર્યા છે. આ નિર્ણય 2028માં યોજાનારા T20 વર્લ્ડ કપ અને લોસ એન્જલસ ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. પસંદગી સમિતિનું ધ્યાન અત્યારથી જ આગામી મોટા ટૂર્નામેન્ટ્સ માટે મજબૂત T20 ટીમ તૈયાર કરવા પર છે. આ પ્રક્રિયામાં 35 વર્ષના સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે, જ્યારે માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને T20 ટીમમાં સ્થાન મળ્યું છે. વૈભવ ભવિષ્યમાં 2028ના બંને મોટા ટૂર્નામેન્ટમાં ભારત તરફથી રમતા જોવા મળી શકે છે.

સૂર્યકુમાર યાદવે ભારત માટે અત્યાર સુધી 113 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 3,272 રન બનાવ્યા છે. તેમના નામે ચાર T20 આંતરરાષ્ટ્રીય સદી પણ નોંધાયેલી છે. લાંબા સમય સુધી T20 ફોર્મેટમાં ભારતના મહત્વપૂર્ણ બેટર અને કેપ્ટન રહેલા સૂર્યકુમાર માટે ટીમમાંથી બહાર થવાનો નિર્ણય ચોક્કસપણે મોટો ફેરફાર છે.

Share This Article