કેદારનાથમાં મોરારી બાપુની રામકથા સાથે ‘ભારત સ્વસ્તિક યાત્રા’નું પ્રથમ ચરણ પૂર્ણ, શિવ અને આદિ શંકરાચાર્યના વારસાને અપાઈ શ્રદ્ધાંજલિ

Kamlesh
1 Min Read

કેદારનાથ : પૂજ્ય મોરારી બાપુની રામકથા સાથે ‘ભારત સ્વસ્તિક યાત્રા’નું પ્રથમ ચરણ 23 ઑક્ટોબરે કેદારનાથ ખાતે પૂર્ણ થયું. આ પ્રસંગે ભગવાન શિવ, આદિ શંકરાચાર્ય અને ભારતની પ્રાચીન તીર્થયાત્રા પરંપરાના આધ્યાત્મિક મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

ગઢવાલ હિમાલયમાં આવેલું કેદારનાથ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક અને ઉત્તરાખંડના ચાર ધામ પૈકીનું મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળ છે. મહાભારત અને આદિ શંકરાચાર્ય સાથે જોડાયેલી પરંપરાઓને કારણે તેનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે.

મોરારી બાપુએ ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથને જોડતી આધ્યાત્મિક પરંપરાનો ઉલ્લેખ કરતાં ‘ભારત સ્વસ્તિક યાત્રા’ને રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વારસાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

પૂજ્ય મોરારી બાપુના માર્ગદર્શન હેઠળ સંતકૃપા સનાતન સંસ્થા દ્વારા આયોજિત આ યાત્રા 10 ઑક્ટોબરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી. તેનો હેતુ ભારતની વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને એકતાના સૂત્રમાં જોડવાનો છે.

મિરાજ ગ્રુપના ચેરમેન અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું હતું કે યાત્રા દ્વારા ધર્મ, સદ્ભાવના અને સર્વજન કલ્યાણનાં મૂલ્યોને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યાત્રા દરમિયાન રામકથા સાથે શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે.

Share This Article