એશિયન પેરા ગેમ્સ-2026માં ગુજરાતની તેજલબેન ડામોરે જીત્યો બ્રોન્ઝ મેડલ, 200 મીટર દોડમાં દેશનું ગૌરવ વધાર્યું

Rudra
3 Min Read

ગાંધીનગર: જાપાનના આઇચી-નાગોયા ખાતે આયોજિત એશિયન પેરા ગેમ્સ-2026માં ગુજરાતની દાહોદની દૃષ્ટિબાધિત દોડવીર તેજલબેન અમરજી ડામોરે શાનદાર પ્રદર્શન કરીને મહિલા 200 મીટર T12 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સફળતા મેળવીને તેજલબેને ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. સંઘર્ષ અને સતત મહેનતના બળે રમતગમત ક્ષેત્રે આગળ વધેલી તેજલબેનની આ સિદ્ધિ અન્ય ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ છે.

હીટ્સમાં 25.25 સેકન્ડનો સમય નોંધાવ્યો

24 વર્ષીય તેજલબેન સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAI)ના ગાંધીનગર સ્થિત નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સમાં તાલીમ લઈ રહ્યાં છે. એશિયન પેરા ગેમ્સની 200 મીટર T12 સ્પર્ધાની હીટ્સમાં તેમણે 25.25 સેકન્ડનો સમય નોંધાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.

આ પહેલાં સપ્ટેમ્બર 2026માં દુબઈ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં તેજલબેને 25.47 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સતત સારા પ્રદર્શન દ્વારા તેઓ પોતાની ઓળખ મજબૂત બનાવી રહ્યાં છે.

કોચ નીતિન ચૌધરીના માર્ગદર્શનનો મોટો ફાળો

તેજલબેને પોતાની સફળતાનો શ્રેય કોચ નીતિન ચૌધરીને આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આ મેડલ પાછળ કોચની સતત મહેનત, શિસ્ત અને યોગ્ય માર્ગદર્શનનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે. નિયમિત તાલીમ અને સતત પ્રેક્ટિસના કારણે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સારું પ્રદર્શન કરી શક્યાં છે.

2022થી શરૂ થઈ રમતગમતની સફર

સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓમાંથી આગળ આવીને તેજલબેને વર્ષ 2022માં પેરા એથ્લેટિક્સની શરૂઆત કરી હતી. ત્યારથી તેમણે સતત મહેનત કરીને પોતાની રમતને વધુ નિખારી છે. વર્ષ 2025ની વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમણે છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2026ની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ અને દુબઈ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં સુવર્ણચંદ્રક જીતીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.

કેન્દ્ર સરકાર તરફથી રૂ. 2.05 લાખથી વધુની સહાય

તેજલબેનની રમતગમતની તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ACTC યોજના હેઠળ રૂ. 2,05,961ની નાણાકીય સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત, SAI ગાંધીનગર ખાતે તેમને ગુણવત્તાયુક્ત કોચિંગ, રમતગમતની સુવિધાઓ અને જરૂરી માળખાકીય સહયોગ પૂરો પાડવામાં આવે છે.

હવે 400 મીટર T12 સ્પર્ધા પર નજર

તેજલબેનની મુખ્ય સ્પર્ધા 400 મીટર T12 છે, જેનું આયોજન હવે થવાનું છે. 200 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતવાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. આગામી 400 મીટરની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની આશા તેમણે વ્યક્ત કરી છે.

તેજલબેન માત્ર પોતાની રમતગમતની કારકિર્દીમાં આગળ વધવા જ નહીં, પરંતુ અન્ય દૃષ્ટિબાધિત બાળકોને પણ રમતગમતમાં આગળ વધવાની તક મળે તેવું ઇચ્છે છે. દાહોદમાં દૃષ્ટિબાધિત બાળકો માટે દોડનો વિશેષ ટ્રેક બનાવવાનું તેમનું સ્વપ્ન છે. તેમની આ ઇચ્છા રમતગમત પ્રત્યેના સમર્પણની સાથે સમાજ માટે કંઈક કરવાની ભાવના પણ દર્શાવે છે.

Share This Article