પોલીસદળમાં અશ્વસવાર પોલીસદળના ભવ્ય ઇતિહાસ અને ભાવિ આયોજન-મહત્તાને આવરી લેતા પુસ્તક ‘‘હિસ્ટ્રી એન્ડ ફયુચર ઓફ ધ માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડીયા-અ બ્રીફ નોટ’’નું ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિમોચન કર્યુ હતું.
અત્રે એ વિશેષ ઉલ્લેખનીય છે કે, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર૦૧૪માં ગુજરાતમાં યોજાયેલી ૩રમી ઓલ ઇન્ડીયા પોલીસ એકવેસ્ટ્રીયન મીટના અવસરે અશ્વ અને ઘોડેસવારીના ઇતિહાસ, વિરતા અને ગતિ તથા શૌર્યની વિરાસતને પુસ્તક-ડોકયુમેન્ટ સ્વરૂપે આવનારી પેઢીઓ સમક્ષ મુકવાનો પ્રેરણાદાયી વિચાર આપ્યો હતો.
તેના પ્રતિસાદ રૂપે આ પુસ્તક લેખન માટેનો પ્રોજેકટ રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. કર્ણાટક રાજ્યના પૂર્વ પોલીસ મહાનિદેશક-ડી.જી.પી. ડૉ. એસ. ક્રિષ્ણામૂર્તિએ પુસ્તકનું લેખન-સંકલન કર્યુ છે. તેઓ પણ આ વિમોચન વેળાએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય પોલીસ દળમાં દાયકાઓથી માઉન્ટેડ પોલીસ દળ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે અને ગુજરાત પોલીસનું અશ્વદળ દેશમાં સૌથી વધુ સંખ્યાબળ ધરાવતું અશ્વદળ છે. આ સંદર્ભમાં આ પુસ્તક રાજ્યના પોલીસ અશ્વદળની સક્ષમતા-સજ્જતા અને ભાવિ ઉપયોગીતા માટે અગત્યનું બની રહેશે. ‘હિસ્ટ્રી એન્ડ ફયુચર ઓફ ધી માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડીયા’ પુસ્તક અશ્વ ઇતિહાસ-સંશોધનમાં રસ ધરાવનારાઓ તેમજ અશ્વ સવારો-અશ્વ પ્રેમીઓ માટે એક સંદર્ભ ગ્રંથ બનશે.