Gandhinagar : સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ એકતાનગરની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં ₹426.71 કરોડથી વધુના 31 જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ કાર્યક્રમ અંતર્ગત ₹307.83 કરોડથી વધુના 23 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે ₹118.88 કરોડથી વધુના 8 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે.
પ્રવાસીઓ માટે નવા આકર્ષણો ઉમેરાશે
એકતાનગર આવતા પ્રવાસીઓ માટે અનેક નવા આકર્ષણો શરૂ કરવામાં આવશે. જેમાં ₹50 કરોડના ખર્ચે તૈયાર થયેલી IRCTC હોટલ, ₹16 કરોડની નવી એકતા ક્રૂઝ, ₹14.30 કરોડનો રેઇન ફોરેસ્ટ અને ₹3.67 કરોડની ઇકો-ટ્રેઇલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પ્રવાસીઓની સુવિધા માટે ટ્રાવેલેટર્સ, નવા રસ્તાઓ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પરેડ ટ્રેક અને સ્ટાફ ક્વાર્ટર્સ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ થશે.
₹118.88 કરોડના કામોનું ખાતમુહૂર્ત
વડાપ્રધાન દ્વારા ગોરા-ભાણદ્રા રોડ, ખલવાણી બ્રિજ, કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડન, સ્માર્ટ ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અને ખલવાણી ઇકો ટુરિઝમ સહિતના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ ઉપરાંત સરદાર સરોવર ડેમની સુરક્ષા અને આપાતકાલીન વ્યવસ્થાપન માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનું પણ નિર્માણ કરવામાં આવશે.
વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ બનાવવાનો પ્રયાસ
ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એકતાનગર અને સ્ટેચ્યુ ઑફ યુનિટીને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવા પ્રવાસન આકર્ષણો અને આધુનિક સુવિધાઓના ઉમેરાથી એકતાનગર આવતા પ્રવાસીઓને વધુ સારો અનુભવ મળશે.

