GLS Universityમાં પાર્થિવ પટેલે ખોલ્યાં ક્રિકેટ સફરના અનકહ્યાં રહસ્યો

Kamlesh
2 Min Read

Ahmedabad : GLS Universityના Executive Director ચાંદની કાપડિયા દ્વારા હોસ્ટ કરવામાં આવતા પોડકાસ્ટ ‘Decoded with Chandni Kapadia’માં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને Gujarat Titansના Assistant Coach પાર્થિવ પટેલે પોતાની ક્રિકેટ સફીના અનેક અનકહ્યાં કિસ્સાઓ શેર કર્યા હતા.

માત્ર 17 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ કરનાર પાર્થિવ પટેલે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમના અનુભવો, સિનિયર ખેલાડીઓ પાસેથી મળેલા માર્ગદર્શન અને કારકિર્દી દરમિયાન પડકારોનો સામનો કરવા અંગે વાત કરી હતી. તેમણે સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથેના અનુભવો પણ યાદ કર્યા હતા.

પાર્થિવે બાળપણમાં થયેલા અકસ્માતમાં પોતાની નાની આંગળીનો કેટલોક ભાગ ગુમાવવાના અનુભવ વિશે પણ વાત કરી હતી. જોકે, આ પડકાર છતાં તેમણે ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જાળવી રાખ્યો હતો. વર્ષ 2020માં 35 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણય અંગે તેમણે સંતોષ અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.

પોડકાસ્ટ દરમિયાન ક્રિકેટમાં ખેલાડીઓની પસંદગી, દબાણ હેઠળ પ્રદર્શન કરવાની ક્ષમતા, ટીમવર્ક અને ખેલાડીઓમાં વિશ્વાસ જાળવવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. Gujarat Titans સાથેના પોતાના અનુભવના આધારે પાર્થિવે ટીમના નિર્માણમાં યોગ્ય અભિગમ અને સામૂહિક પ્રયાસોનું મહત્ત્વ સમજાવ્યું હતું.

આ ઉપરાંત, તેમણે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર મેથ્યુ હેડન સાથેની મિત્રતા સહિત મેદાનની બહારના અનેક યાદગાર પ્રસંગો પણ શેર કર્યા હતા. પોડકાસ્ટના વિવિધ મનોરંજક સેગમેન્ટ્સમાં ક્રિકેટ જગત સાથે જોડાયેલી રસપ્રદ યાદો અને અંગત અનુભવો સામે આવ્યા હતા.

પાર્થિવ પટેલનો GLS University સાથેનો જૂનો સંબંધ પણ આ એપિસોડમાં ચર્ચાનો વિષય બન્યો હતો. યુવા ખેલાડીઓની પ્રતિભાને યોગ્ય દિશા આપવી અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટના શિક્ષણનું મહત્ત્વ સમજાવતાં તેમણે રમતગમત ક્ષેત્રમાં સફળતા માટે જરૂરી ગુણો પર પ્રકાશ પાડ્યો હતો.

‘Decoded with Chandni Kapadia’નો આ એપિસોડ ક્રિકેટના આંકડા અને રેકોર્ડ્સથી આગળ વધીને પાર્થિવ પટેલની સફર, સંઘર્ષ, સંબંધો અને જીવનના અનુભવોને જાણવાની તક આપે છે.

Share This Article