Bhavnagar | 1 નવેમ્બરે ભારતીય વાયુસેનાનો ભવ્ય એર શો, બોર તળાવ પર જોવા મળશે સૂર્યકિરણ ટીમનું પ્રદર્શન

Kamlesh
1 Min Read

ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 1 નવેમ્બર, 2026ના રોજ ભાવનગરના બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે ભવ્ય એર શોનું આયોજન કરવામાં આવશે. આ પ્રદર્શન સવારે 10 વાગ્યે શરૂ થશે.

આ એર શોમાં સૂર્યકિરણ ટીમના નવ લાલ અને સફેદ રંગના Hawk Mk-132 જેટ વિમાનો આકાશમાં અદભુત કરતબો રજૂ કરશે. વિમાનો દ્વારા ચોકસાઈપૂર્વકની ફોર્મેશન ફ્લાઇંગ, લૂપ્સ, રોલ્સ અને સ્મોક ટ્રેલ્સ સહિતના રોમાંચક દાવપેચ જોવા મળશે. આકાશમાં તિરંગાના રંગોનું પ્રતિબિંબ પણ જોવા મળશે.

આ પ્રદર્શન લગભગ 30થી 40 મિનિટ ચાલવાની અપેક્ષા છે. ખાસ વાત એ છે કે આ એર શો તમામ નાગરિકો માટે વિનામૂલ્યે ખુલ્લો રહેશે. નાગરિકો બોર તળાવના કિનારેથી તેમજ શહેરની બહુમાળી ઇમારતો અને ટેરેસ પરથી પણ આ નજારો નિહાળી શકશે.

મુખ્ય પ્રદર્શન પહેલાં એક કે બે દિવસ અગાઉ પ્રેક્ટિસ અને રિહર્સલ પણ યોજાશે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ પોતાના અદભુત કૌશલ્ય, શિસ્ત અને વ્યાવસાયિક ક્ષમતાનું પ્રદર્શન કરીને ભાવનગરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

Share This Article