નાગરિક સુધારા કાનૂનના વિરોધમાં અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં ભડકી ઉઠેલી હિંસાના એક દિવસ બાદ આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. ધરપકડનો દોર પણ જોરદારરીતે શરૂ થઇ ચુક્યો છે. બીજી બાજુ આરએએફ અને એસઆરપીની ટુકડીઓ પણ મોરચા સંભાળી ચુકી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ફ્લેગમાર્ચની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. દરમિયાન હજુ સુધી પકડી પાડવામાં આવેલા કોંગ્રેસી કોર્પોરેટર સહિત ૫૮ લોકોની સામે કાર્યવાહી શરૂ થઇ ચુકી છે. આ તમામને મોટી સાંજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. શાહઆલમમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. બીજી બાજુ આજે બીજા દિવસે સ્થિતી શાહઆલમ સહિતના વિસ્તારોમાં અજંપાભરી રહી હતી. સીસીટીવી ફુટેજ અને અન્ય રીતે તપાસ ચાલી રહી છે. તપાસ શાહઆલમમાં હિંસાની ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી ચુકી છે. મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયના લોકોએ મોંઢે રૂમાલ બાંધી કાશ્મીર સ્ટાઇલથી પોલીસ પર પથ્થરમારો કરતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.
પોલીસે પણ સમગ્ર મામલાની બહુ જ ગંભીર નોંધ લઇ આકરી કાર્યવાહીના ભાગરૂપે શાહઆલમમાં તોફાનો-હિંસા ભડકાવવાના પ્રકરણમાં કોંગ્રેસના કોર્પોરેટર શેહઝાદખાન પઠાણ સહિત ૫૮થી વધુ તોફાની તત્વોની ધરપકડ કરી હતી. એટલું જ નહી, શાહઆલમ વિસ્તારના આઠ હજારના ટોળા સામે પોલીસે રાયોટીંગ સહિતનો ગુનો નોંધી એફઆઇઆર દાખલ કરી છે. બીજીબાજુ, શાહઆલમ હિંસાની સમગ્ર તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપી દેવાઇ છે. આજે શાહઆલમ સહિત શહેરના અન્ય મુસ્લિમ વિસ્તારોમાં એકંદરે શાંતિનો માહોલ જળવાયેલો રહ્યો હતો. પોલીસનો લોખંડી બંદોબસ્ત સમગ્ર વિસ્તારમાં તૈનાત કરાયા બાદ શહેરમાં શાંતિ છે અને પોલીસે સીસીટીવી ફુટેજીસના આધારે તોફાની તત્વોની ધરપકડનો દૌર શરૂ કર્યો છે. પોલીસે શાહઆલમ પથ્થરમારા મામલે કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ ઉર્ફે સનીબાબા સહિત ૫૮ થી વધુ શખ્સોની ધરપકડ કરી હતી. આજે પણ પોલીસ તોફાનગ્રસ્ત વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરી રહી છે. બીજીબાજુ, પોલીસ વડાએ વધુ બે એસઆરપી કંપની ફાળવી હતી.
પોલીસ જવાનોને હેલ્મેટ અને બોડી પ્રોટેક્ટર સાથે તૈનાત કરાયા હતા. શાહઆલમમાં પથ્થરમારા મામલે પોલીસ દ્વારા આઠ હજારના ટોળા સામે રાયોટીંગ, હત્યાના પ્રયાસ સહિત વિવિધ ગુના હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ખુદ પી.આઈ.જે.એમ સોલંકી ફરિયાદી બન્યા છે. ઇસનપુર પોલીસે ટોળા સામે આઇપીસીની કલમ-૩૦૭,૩૩૭, ૩૩૩, ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૮૮, ૧૨૦ બી, ૩૪ તથા પબ્લીક પ્રોપર્ટી કલમ-૩ અને ૭ તથા જીપી એકટ ૧૩૫(૧) એટલે કે હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમા રૂકાવટ, ષડયંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. અમદાવાદના શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો અને હુમલાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઇમની ટીમ મદદમાં જોડાઈ છે. તો, આરોપી મુફીસ અહેમદ અનીસ અંસારી સહિત ૩૨ આરોપી વિરુદ્ધ નામ જોગ વોન્ટેડ ઈશ્યુ કરાયું છે.