અમદાવાદ : ગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. આજે પણ સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. ગીરસોમનાથ, રાજકોટ, અમરેલી, લાઠી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો જેથી નિચાળવાલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવસારીમાં સાર્વિત્રક વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. સુરેન્દ્રનગરના સાયલા સહિત આસપાસના વિસ્તારો અને યાત્રાધામ ચોટીલા અને ખેડબ્રહ્મામાં પણ વરસાદ થયો છે. લાલકાગામમાં બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
અલબત્ત ગુજરાતમાં સિઝનમાં હજુ સુધી પુરતો વરસાદ થયો નથી. વરસાદી માહોલ અકબંધ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આગામી પાંચ દિવસ માટે યથાવત રાખવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે. ગીરસોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિમ ગુજરાત અને ખાસ કરીને વલસાડ અને નવસારીમાં પણ અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગીરસોમનાથ, રાજકોટ, અમરેલીમાં વરસાદ જારી રહ્યો છે જેથી નદીઓમાં પાણીની નવી આવક આવી છે.
નૈઋત્યનું ચોમાસું બેઠું ત્યારથી એકધારા વરસાદ માટે તરસી રહેલી ગુજરાતની ધરાને આગામી સપ્તાહથી મેઘરાજા બરાબર ભીંજવી જશે તેવા એંધાણ મળી રહ્યા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, પશ્ચિમ બંગાળના અખાતમાં લો-પ્રેશર સર્જાયું છે અને આ કારણે ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં આગામી તા.૨૭ જુલાઈથી ચાર દિવસ સુધી લાગલગાટ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં જોઇએ તો, ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શકયતા સેવાઇ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, તા.૨૫ જુલાઈથી બંગાળના અખાત તેમજ બાંગ્લાદેશમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાવાની અપેક્ષા છે. આ કારણે ચોમાસાની સીસ્ટમ તા.૨૬ જુલાઈથી વધુ સક્રિય બનશે અને તેમાં પણ લો-પ્રેશરવાળા વિસ્તારોમાં ભારે સક્રિયતા જોવા મળશે.
આ કારણે સ્થાનિક વિસ્તારો જેવા કે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તા.૨૬મીએ ભારે વરસાદ પડશે. આ લો-પ્રેશર તા.૨૭ જુલાઈએ છત્તીસગઢ થઈને મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ફંટાશે. આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીએ તો મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાતના ઉત્તર અને પૂર્વના વિસ્તારોમાં તા.૨૭ તારીખથી ચાર દિવસ સુધી ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય થશે. આ કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ તા.૨૭ જુલાઈથી ચાર દિવસ સુધી જોવા મળી શકે છે. આ સીસ્ટમ તા.૩૦ જૂનથી દક્ષિણના રાજ્યો તરફ ફંટાઈ શકે છે. ગુજરાતમાં સતત ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે સરકાર અને વહીવટી તંત્ર પણ સાબદા થઇ ગયા છે અને એનડીઆરએફ સહિતની ટીમોને પણ એલર્ટ કરી દેવાઇ છે. સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં બેથી પાંચ ઇંચ વરસાદ થયો છે. રાજ્યના અન્ય જે વિસ્તારોમાં વરસાદ થયો છે તેમાં સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય, બોટાદ, પાલીતાણા, ધંધુકા, વલસાડનો સમાવેશ થાય છે.