મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનસની સગાઈ થઈ ચુકી છે. સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી હતી. પ્રિયંકાએ પોતાના મુંબઈવાળા આવાસમાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. ગુરૂવારે મોડી રાત્રે પણ એક કાર્યક્રમનું આયોજન થયું હતું. જેના ભાગરૂપે નિક જોનસ પોતાના માતા-પિતાની સાથે મુંબઈ પહોંચ્યો હતો. આ કાર્યક્રમ માટે પ્રિયંકાના ઘરને શણગારવામાં આવ્યું હતું.
રોકા સેરેમેની થયા બાદ પરિવારના મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. પરિવાર અને મિત્રોની સાથે બંનેએ ફોટા પણ પડાવ્યા હતા. પ્રિયંકા ચોપરાએ પોતાની સગાઈ અંગેની જાહેરાત કરી હતી. સલમાનખાનની બહેન અર્પિતા સગાઈમાં સામેલ થવા માટે પહોંચી હતી. પરિણિતી ચોપરા પણ પહોંચી હતી. પ્રિયંકાની સાથે નિકે પૂજનવિધિ પણ કરી હતી. નિક જોનસ અને પ્રિયંકા પૂજામાં એક સાથે સામેલ થયા હતા. મોટી સંખ્યામાં મહેમાનો પણ પહોંચ્યા હતા. પંડિતો પણ પહોંચ્યા હતા. કાર્યક્રમમાં સામેલ થવામાં મનિષ મલહોત્રા અને અનશુલા કપૂરનો પણ સમાવેશ થાય છે. જોકે સગાઈના કાર્યક્રમમાં કોઈ અન્ય હસ્તીઓ પહોંચી ન હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે હાલમાં જ પ્રિયંકા ચોપરાએ સલમાન ખાનની ભારત ફિલ્મ છોડી દીધી હતી. ત્યારબાદથી જ આને લઈને ચર્ચા હતી કે ટૂંકમાં જ લગ્ન થનાર છે. જોકે આજે સગાઈની વિધિ પુરી કરવામાં આવી હતી.
ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં હોલિવુડમાં ડંકો વગાડી રહી છે. તેની પાસે ત્રણથી વધુ ફિલ્મો છે. આ ઉપરાંત તે કેટલાક અન્ય પ્રોજેક્ટોમાં પણ સક્રિય છે. બીજી બાજુ નિક જોનસ એક ગાયક તરીકે ઉભરી રહ્યો છે. પ્રિયંકા ચોપરા ક્વાન્ટીકો સિરિયલ મારફતે પણ અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય થઈ ચુકી છે. બોલિવુડ ફિલ્મોમાં પણ વિતેલા વર્ષોમાં છવાયેલી રહી ચુકી છે.