મધ્યપ્રદેશના ભિંડમાં ચોંકાવનારી ઘટના: ઘરમાં તળિયાની જમીન ફાટી ‘ને ખાટલા સહિત મહિલા 15 ફૂટ ઊંડા ખાડામાં સમાઈ ગઈ!

Rudra
3 Min Read

મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક ઘરમાં ચોંકાવનારી ઘટના બની છે. બુધવારે રાત્રે એક ઐતિહાસિક મકાનના રૂમનું ફર્શ અચાનક ધસી પડ્યું હતું. આ દરમિયાન 45 વર્ષીય મહિલા પોતાની પથારી સહિત જમીનની અંદર આશરે 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી.

આ મકાન એક સમયે સિંધિયા ઘરાણાની વહીવટી કોર્ટ હતું

મળતી માહિતી મુજબ, આ ઐતિહાસિક મકાન એક સમયે સિંધિયા ઘરાણાની વહીવટી કોર્ટ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. મકાનનો એક જૂનો ઓરડો આ પ્રાચીન માળખાની ઉપર બનાવવામાં આવ્યો હતો. અગાઉ આ જગ્યાનો ઉપયોગ કરવેરા તરીકે વસૂલવામાં આવેલા અનાજને સંગ્રહિત કરવા માટે થતો હતો. બુધવારે રાત્રે મહિલા પથારીની ચાદર બદલી રહી હતી ત્યારે અચાનક જમીન ધસી પડતાં તે ખાડામાં પડી ગઈ હતી.

મહિલાને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડાઈ

આ ઘટના રાત્રે આશરે 9:15 વાગ્યાની હોવાનું જાણવા મળ્યું છે. આ મકાન ગર્લ્સ સ્કૂલવાળી ગલીમાં આવેલું છે. મહિલા ખાડામાં ફસાઈ જતાં પરિવારજનો અને પાડોશીઓએ સીડીની મદદથી તેને બહાર કાઢી હતી. મહિલાને ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

સ્થાનિક ભાષામાં આ જગ્યાને ‘ગલ્લા ખંતી’ કહેતા હતા

પરિવારના જણાવ્યા અનુસાર, સિંધિયા રજવાડાના સમયમાં આ જગ્યા સ્થાનિક વહીવટી કોર્ટ તરીકે કાર્યરત હતી. અહીંથી મહેસૂલ વસૂલાત અને વહીવટી કામગીરી કરવામાં આવતી હતી. જમીનની નીચે આવેલા એક ભાગમાં કરવેરા તરીકે મળેલા અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો. સ્થાનિક ભાષામાં આ જગ્યાને ‘ગલ્લા ખંતી’ કહેવામાં આવતી હતી. આથી લોકો માની રહ્યા છે કે બુધવારે જે ભાગ ધસી પડ્યો તે આ જ જૂના માળખાનો હિસ્સો હોઈ શકે છે.

પરિવારના પરદાદા માનદ મેજિસ્ટ્રેટ હતા

પરિવારના જણાવ્યા મુજબ, તેમના પરદાદા પંડિત મદન મોહન મિશ્રા સિંધિયા રજવાડામાં માનદ મેજિસ્ટ્રેટ હતા. તેમને વન ખંડેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલાં કાર્યોની જવાબદારી સોંપવામાં આવી હતી.

1980ના દાયકામાં મકાનનું પુનર્નિર્માણ થયું હતું

પરિવારના જણાવ્યા અનુસાર, 1980ના દાયકામાં આ મકાનનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે જમીનની અંદર આવેલા આ ખાડાને બંધ કરી દેવામાં આવ્યો હતો.

પરિવારને આશંકા છે કે વર્ષો સુધી પાણીના લીકેજને કારણે બંધ કરવામાં આવેલા ભાગની અંદરની માટી ધીમે ધીમે ધોવાઈ ગઈ હશે. તેના કારણે ફર્શની નીચે ખાલી જગ્યા બની ગઈ હશે અને દબાણ પડતાં આ ભાગ ધસી પડ્યો હશે. ખાડાના નીચેના ભાગમાં પાણી પણ મળી આવ્યું છે.

ઘટના સમયે પરિવારના મોટાભાગના સભ્યો બહાર હતા

ઘટના બની ત્યારે પરિવારના મોટાભાગના સભ્યો એક આમંત્રણ પ્રસંગમાં ગયા હતા. જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે મહિલાને ખાડામાં ફસાયેલી જોઈ હતી. હાલ ફર્શ ધસી પડવાનું ચોક્કસ કારણ અને જમીનની અંદર આવેલી જૂની રચનાની વર્તમાન સ્થિતિ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Share This Article