ગાંધીનગરની સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે દિવાળીના પર્વ નિમિત્તે ઉત્સાહભેર દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ઋષભ જૈન અને વાઇસ પ્રેસિડેન્ટ આદિ જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો, વિભાગના વડાઓ અને કર્મચારીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ ટીમવર્ક, સમર્પણ અને નવીન વિચારો સાથે યુનિવર્સિટીની પ્રગતિ માટે આગળ વધવા પ્રેરણા આપવામાં આવી હતી.
દિવાળી ઉજવણી દરમિયાન યુનિવર્સિટીના મેગેઝિન ‘સ્વર્ણિમ સંચાર’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ મેગેઝિનમાં યુનિવર્સિટીની શૈક્ષણિક, સાંસ્કૃતિક, સંશોધન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓને રજૂ કરવામાં આવશે.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને સમર્પિત ત્રણ વિશેષ ગીતો રજૂ કર્યા હતા. વિવિધ વિભાગોના વડાઓએ પણ યુનિવર્સિટીની વિકાસયાત્રા અને ભવિષ્યના લક્ષ્યો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળીના પર્વની ઉજવણી સાથે યુનિવર્સિટી પરિવારે સહકાર અને નવી ઊર્જા સાથે સંસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
