નાગરિકોની સુરક્ષા માટે રાજ્યભરમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ હાઈએલર્ટ પર, અમદાવાદના 18 ફાયર સ્ટેશન એલર્ટ
ગુજરાતમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ દ્વારા સુરક્ષાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તહેવાર દરમિયાન કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા ફાયર વિભાગની ટીમો 24 કલાક સ્ટેન્ડબાય રહેશે.
નાગરિકોની સુવિધા માટે ડાયલ 112ની સાથે હંગામી ધોરણે ઈમરજન્સી હેલ્પલાઇન નંબર 101 પણ કાર્યરત કરવામાં આવ્યો છે. અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં 18 ફાયર સ્ટેશનને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન આગની કોઈપણ ઘટના કે અન્ય ઈમરજન્સીનો તાત્કાલિક સામનો કરવા વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે.
ફાયર વિભાગ દ્વારા નાગરિકોને ખુલ્લા અને સુરક્ષિત સ્થળોએ જ ફટાકડા ફોડવા તેમજ જ્વલનશીલ પદાર્થોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા અને શહેરની સલામતી જાળવવા ફાયર વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
