નવી દિલ્હી: દિલ્હીમાં યોજાયેલી 18મી BRICS શિખર સંમેલનનું સમાપન થઈ ગયું છે. સમિટમાં ભાગ લેનારા વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને વિદેશ મંત્રીઓ હવે પોતાના દેશ પરત ફરી રહ્યા છે. આ દરમિયાન સોમવારે નવી દિલ્હીના IGI એરપોર્ટ પરથી સામે આવેલી એક તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. નાઇજીરિયાની વિદેશમંત્રી બિયાન્કા ઓડુમેગ્વુ-ઓજુક્નાની અદા, ગ્રેસ અને વ્યક્તિત્વે ભારતીય મીડિયા તથા સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. બિયાન્કા કોણ છે અને બ્યૂટી ક્વીનથી રાજકારણ સુધીની તેમની સફર કેવી રહી, આવો જાણો.
દિલ્હીમાં યોજાયેલી 18મી BRICS શિખર પરિષદમાં વિશ્વભરના નેતાઓએ ગંભીર રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જોકે, આ સમિટ દરમિયાન એક એવું વ્યક્તિત્વ પણ ચર્ચામાં આવ્યું, જેણે પોતાની સ્ટાઇલ, વ્યક્તિત્વ અને સુંદરતાથી લોકોનું ધ્યાન ખેંચ્યું. વાત થઈ રહી છે નાઇજીરિયાની વિદેશમંત્રી બિયાન્કા ઓડુમેગ્વુ-ઓજુક્ના (Bianca Odumegwu Ojukwu)ની.
સોમવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી નાઇજીરિયા પરત ફરતી વખતે બિયાન્કાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તેમની સાદગી, સ્મિત અને શાહી અંદાજની લોકો પ્રશંસા કરી રહ્યા છે.
બિયાન્કા ઓડુમેગ્વુ-ઓજુક્ના માત્ર નાઇજીરિયાની ટોચની રાજદ્વારી નથી, પરંતુ તેમનો ભૂતકાળ પણ ગ્લેમરસ અને પ્રેરણાદાયી રહ્યો છે. તેઓ ભૂતપૂર્વ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ રહી ચૂકી છે. રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં બિયાન્કા આંતરરાષ્ટ્રીય બ્યૂટી ક્વીન રહી ચૂક્યા હતા. તેમણે 1988માં મોસ્ટ બ્યુટિફુલ ગર્લ ઇન નાઇજીરિયાનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ તેમણે આફ્રિકી ખંડનું નામ રોશન કરતાં પ્રતિષ્ઠિત મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.
બિયાન્કા માત્ર સુંદરતા માટે જ નહીં પરંતુ શૈક્ષણિક અને બૌદ્ધિક ક્ષમતા માટે પણ જાણીતી છે. તેમણે કાયદાનો અભ્યાસ કર્યો છે અને નાઇજીરિયામાં જાણીતા વકીલ તરીકે પણ કામ કર્યું છે. બિયાન્કા નાઇજીરિયાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને નાઇજીરિયાના એક રાજ્યના પૂર્વ ગવર્નર સી. ક્રિશ્ચિયન ઓનુની પુત્રી છે. તેમના લગ્ન નાઇજીરિયાના ઐતિહાસિક અને જાણીતા નેતા ચુક્વુએમેકા ઓડુમેગ્વુ-ઓજુક્ના સાથે થયા હતા.
રાજદ્વારી ક્ષેત્રમાં પણ બિયાન્કાએ મહત્વની જવાબદારીઓ નિભાવી છે. તેઓ અગાઉ સ્પેનમાં નાઇજીરિયાના રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે. ત્યારબાદ તેમને દેશના વિદેશ બાબતોના રાજ્યમંત્રી અને બાદમાં વિદેશમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. નાઇજીરિયા તેમજ સમગ્ર આફ્રિકી ખંડમાં બિયાન્કાને સ્ટાઇલ આઇકન અને સશક્ત મહિલા તરીકે જોવામાં આવે છે.
નાઇજીરિયાના યુવાનો અને મહિલાઓ માટે બિયાન્કા એક ઉદાહરણ છે કે એક મહિલા ગ્લેમરની દુનિયામાં સફળતા મેળવ્યા બાદ પોતાની ક્ષમતા અને યોગ્યતાના આધારે દેશના મહત્વપૂર્ણ વહીવટી તથા રાજદ્વારી પદો પણ સંભાળી શકે છે. નાઇજીરિયન મીડિયામાં તેમના પરંપરાગત આફ્રિકી પોશાક, આધુનિક ડ્રેસિંગ સેન્સ અને જાહેર જીવનમાં શાલીનતાની ઘણીવાર પ્રશંસા કરવામાં આવે છે.
BRICS સમિટ દરમિયાન અને સોમવારે દિલ્હી એરપોર્ટ પર બિયાન્કા જ્યારે પોતાની ફ્લાઇટ માટે પહોંચી ત્યારે ત્યાં હાજર ભારતીય ફોટોગ્રાફર્સ અને મીડિયા કર્મચારીઓ તેમના ગ્રેસફુલ અંદાજને કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. તેમના ચહેરા પર જોવા મળતું સૌમ્ય અને રહસ્યમય સ્મિત લોકોનું ધ્યાન ખેંચી રહ્યું હતું. દિલ્હીમાં તેઓ પરંપરાગત આફ્રિકી હેડગિયર અને સુંદર ફોર્મલ ડ્રેસમાં જોવા મળ્યા હતા, જેને સોશિયલ મીડિયા પર પણ ઘણી પ્રશંસા મળી હતી.
BRICS સમિટમાં નાઇજીરિયાનું પ્રતિનિધિત્વ કરવાની સાથે બિયાન્કા ઓડુમેગ્વુ-ઓજુક્નાએ પોતાની સુંદરતા, બુદ્ધિમત્તા અને શાહી વ્યક્તિત્વથી ભારતીય નેટિઝન્સનું પણ ધ્યાન ખેંચ્યું છે. સોમવારે તેઓ પોતાના દેશ પરત ફર્યા હોવા છતાં સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અને વીડિયો હજુ પણ ચર્ચામાં છે.

