મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિએ આદરાજંલી આપતા સ્પષ્ટ પણે જણાવ્યુ કે, સરકાર કોઇપણ સમાજને બંધારણે આપેલા અધિકારોની સુરક્ષા-રક્ષા માટે સદાય પ્રતિબધ્ધ રહેવાની જ છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહયું કે, ડૉ. બાબા સાહેબે આપણને જે બંધારણ આપ્યુ છે તેમાં સૌને સમાન અધિકાર સૌને ન્યાયનાં સિધ્ધાંતો સુનિશ્ચિત કરેલા છે તેમાં કોઇપણ અધિકાર લઇ લેવા નહી પરંતુ તેના રક્ષણ-સુરક્ષિત રાખવા સરકાર હંમેશા કટીબદ્ધ છે અને રહેવાની જ છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્કમાં સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સામાજીક ન્યાય મંત્રીત્રી ઇશ્વરભાઇ પરમાર, ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ વિધાનસભા પૂર્વ અધ્યક્ષ રમણભાઇ અને અનેક મહાનુભાવો – અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિજયભાઇ રૂપાણીએ આ અવસરે જણાવ્યું કે, ડૉ. આંબેડકર સવાસો કરોડ દેશવાસીઓનાં નેતા છે. તેમણે બંધારણમાં જે માનવીય અધિકારોના રક્ષણની વાત કરી છે તેનું પાલન કરીને ગુજરાત સરકાર પીડીત, શોષિત, વંચિત દલિત સૌના વિકાસ માટે કાર્યરત છે.તેમણે ઉમેર્યુ કે, સૌને સમાન ન્યાય અધિકારોનાં રક્ષણ માટે ડૉ. આંબેડકરે સંગઠિત બનવા શિક્ષિત બનવાનો જે કોલ આપેલો છે તેને ગુજરાતમાં આપણે સૌનો સાથ સૌનો વિકાસનાં મંત્રથી એક બની નેક બની સામાજીક સમરસતા, એકતા, બંધુતાથી પાર પાડવો છે.
મુખ્યમંત્રીએ ખોટી અફવાઓ ગેરસમજ ફેલાવનારોઓથી દુર રહેવા અનુરોધ કરતાં કહયુ કે, સમાજનાં દલીત વંચિત કચડાયેલા વર્ગો પણ વિકાસનાં માર્ગે સૌની સાથે આગળ વધે એજ સરકારની સંકલ્પબધ્ધતા છે.