ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, સહારનપુર, બારાબંકી, મુરાદાબાદ, ઉન્નાવ, દેવબંદ સહિત અનેક શહેરોમાં શુક્રવારની નમાજ બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સહારનપુરમાં તોડફોડ અને પ્રયાગરાજમાં પથ્થરમારો થયો હતો. પ્રયાગરાજમાં લોકોએ પીએસી ટ્રકને આગ ચાંપી દીધી હતી. ઘણી જગ્યાએ પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ભીમ આર્મી ચીફ સતપાલ તંવરે નુપુર શર્માની જીભ કાપનારાને એક કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.કોલકાતા અને હાવડામાં પ્રદર્શનકારીઓએ રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ કહ્યું કે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનારાને દુર્ભાગ્ય મળવું જોઈએ. ટોળામાં સામેલ લોકોએ દુકાનો બંધ કરાવવા અંગે હોબાળો પણ મચાવ્યો હતો. ત્યારપછી પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
રાંચીમાં શુક્રવારની નમાઝ બાદ પ્રદર્શનકારીઓએ મુખ્ય માર્ગ પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હોબાળો થયો અને પથ્થરમારો પણ થયો હતો. પોલીસે હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો. મેઈન રોડ પર આવેલી ઈકરા મસ્જિદથી ડેઈલી માર્કેટ સુધી દુકાનો હતી. આ ઉપરાંત મુસ્લિમ બહુલ વિસ્તાર હિંદપીરી, પુંડગમાં પણ દુકાનો બંધ રાખવામાં આવી હતી. તેલંગાણામાં નમાજ પછી વિરોધીઓએ હોબાળો કર્યો હતો. રાજધાની હૈદરાબાદમાં મક્કા મસ્જિદની બહાર સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારપછી પોલીસે બળપ્રયોગ કરીને પ્રદર્શનકારીને વિખેરી નાખ્યા હતા. આ વિસ્તારમાં પોલીસ ફોર્સ અને સીઆરપીએફ તૈનાત છે લુધિયાણા જામા મસ્જિદના ઈમામ દ્વારા પયગંબરનું અપમાન કરનારા લોકોની ધરપકડ કરવાની માગ કરી છે. જેના પરિણામે સમગ્ર પંજાબમાં વિરોધ પ્રદર્શન આયોજિત કરાયું છે. શાહી ઈમામ મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુધિયાણવીએ આ પ્રદર્શન કરવા ટકોર કરી છે.
જુમ્માની નમાઝ અદા કર્યા પછી મજલિસ અહરાર ઈસ્લામ હિંદે નૂપુર શર્મા અને નવીન જિંદલના પૂતળા ફૂંકી માર્યા હતા. પ્રદર્શનકારીઓએ કહ્યું- પયગંબરની શાનમાં અપમાન સહન ના કરી શકીએ. કાનપુરમાં ત્રણ જૂને થયેલા રમખાણો બાદ જુમ્માની પહેલી નમાઝ થઈ છે. આખા રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે તે પછી પણ યુપીના ત્રણ શહેરોમાં નમાઝ પછી ઉગ્ર પ્રદર્શન કરવામા આવ્યા હતા. પ્રયાગરાજમાં નમાઝ પછી ભીડે વિરોધ-પ્રદર્શન શરૂ કર્યા હતા. મુરાદાબાદમાં ઉગ્ર ભીડે ‘નૂપુર શર્માને ફાંસી આપો’ના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા. સહારનપુરમાં જુમ્માની નમાઝ પછી અલ્લા-હૂ-અકબરના નારા લગાવવામાં આવ્યા હતા. ડરના કારણે આસપાસની દુકાનવાળાઓએ તેમની દુકાનો બંધ કરી દીધી હતી. કાનપુરમાં બેકનગંજના ત્રણ કિમી વિસ્તારમાં ૯ કંપની પીએસીમાં ૮૦૦ જવાન, ૩ કંપની આરએએફમાં ૩૭૫ જવાન, ૭ કંપની ક્વિક રિસ્પોન્સ ટીમમાં ૭૫ જવાન અને પોલીસના ૩ હજાર જવાન તહેનાત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવા માટે ૧૦૦થી વધારે લોકોની ટીમ બનાવવામાં આવી છે. દિલ્હીની જામા મસ્જિદમાં નમાઝ માટે લગભગ ૧૫૦૦ લોકો એકઠા થયા હતા. નમાઝ પછી લગભગ ૩૦૦ લોકો બહાર આવ્યા અને નુપુર શર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું કે અમારી તરફથી વિરોધનો કોઈ કોલ આવ્યો નથી. નમાઝી નમાઝ અદા કરીને બહાર આવ્યા અને અચાનક જ વિરોધ કરવા લાગ્યા. અમને ખબર નથી કે વિરોધીઓ કોણ છે. મને લાગે છે કે તે એઆઈએમઆઈએમનો સભ્ય છે અથવા ઓવૈસીનો માણસ છે. શુક્રવારે કર્ણાટકના બેલાગવીમાં ફોર્ટ રોડ પર એક મસ્જિદ પાસે બીજેપીની નૂપુર શર્માનું પૂતળું ઈલેક્ટ્રીક વાયરથી લટકતું મળી આવ્યું હતું. તેમણે કહ્યું કે, આ મુદ્દે લોકોમાં આક્રોશ ઊભો કરાતાની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે પોલીસે તેને તાત્કાલિક હટાવી દીધું હતું.શ્રીનગર અને કાશ્મીરના અન્ય કેટલાક શહેરોમાં નૂપુર શર્માની ટિપ્પણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અહીં પણ નમાઝ પછી જ દેખાવો શરૂ થયા હતા. ઘણા પોસ્ટર પણ જોવા મળ્યા, જેમાં પયગંબર મોહમ્મદનું અપમાન કરનારાઓનું શિરચ્છેદ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. લખનઉની ટીલે વાળી મસ્જિદ પર મોટી સંખ્યામાં સેના તહેનાત કરવામાં આવી હતી. ડ્રોનથી દેખરેખ રાખવામાં આવે છે. શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. જોઈન્ટ કમિશનર પોલીસ લો એન્ડ ઓર્ડર પીયુષ સહિત સીનિયર પોલીસ અધિકારી, ૪ સેન્ટ્રલ સહિત છ કંપનીઓ પીએસીની તહેનાત છે. એડીસીપી પશ્ચિમ ચિંરજીવી નાથ સિન્હાએ જણાવ્યું કે જુમ્માની નમાઝ વિશે પાટનગર લખનઉને ૯ ઝોનમાં વહેચવામાં આવ્યું છે.પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી પછી બીજેપીથી નિષ્કાસિત નેતા નૂપુર શર્મા વિરૂદ્ધ શુક્રવારે દેશભરમાં પ્રદર્શન શરૂ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, બંગાળના ઘણા શહેરોમાં જુમ્માની નમાઝ પછી લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને નૂપુર શર્મા વિરૂદ્ધ નારા લગાડવા લાગ્યા હતા. ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. પ્રયાગરાજમાં પ્રદર્શનકારીઓએ પીએસીના ટ્રક પણ ફૂંકી માર્યા છે. જ્યારે કર્ણાટકમાં નુપુરનું પૂતળું ટિંગાડી દેવાયું છે.