મુંબઇ : શેરબજારમાં આજે એફએન્ડઓ એક્સપાયરી વચ્ચે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૪૪ પોઇન્ટ ઘટીને ૩૩૬૯૦ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૦૦ પોઇન્ટ ઘટીને ૧૦૧૨૫ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં એક ટકાનો મોટો ઘટાડો રહ્યો હતો. યશ બેંક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં એક ટકાનો ઘટાડો રહ્યો હતો વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો મારુતિ સુઝુકીના શેરમાં ૦.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં અફડાતફડી વચ્ચે વૈશ્વિક પરિબળો પણ જવાબદાર જોવા મળી રહ્યા છે.
એકબાજુ ડોલર સામે રૂપિયો નબળી રીતે કારોબારમાં છે. રૂપિયો ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૭૩.૩૭ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. અગાઉ ડોલર સામે રૂપિયો ૭૩.૧૬ની સપાટીએ રહ્યો હતો. એશિયન શેરબજારમાં પણ અફડાતફડી જાવા મળી રહી છે. એશિયા પેસેફિક શેરના એમએસસીઆઈ ઇન્ડેક્સમાં ઉલ્લેખનીય ઘટાડો રહ્યો હતો. આ વર્ષે જાપાન સિવાય આ ઇન્ડેક્સમાં ૧૮.૫ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયા બાદ તેની સીધી અસર જાવા મળી હતી.ફાઈનાન્સિયલ કંપનીઓમાં લિક્વિડીટીની કટોકટીથી રોકાણકારો હચમચી ઉઠ્યા છે. આ મુદ્દાને હાથ ધરવા માટે સરકાર અને આરબીઆઈ તરફથી જુદા જુદા પગલા લેવામાં આવ્યા હોવા છતાં નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં કટોકટીને લઇને ચિંતા દૂર થઇ રહી નથી. આઈએલએન્ડએફએસની કટોકટી બાદ હવે એનબીએફસીમાં નવી કટોકટી ઉભી થઇ છે જેથી વેચવાલીનું વાતાવરણ રહ્યું છે. આરબીઆઈ દ્વારા લિક્વિડીટી ઠાલવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ મૂડીરોકાણકારોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાની બાબત સરળ દેખાઈ રહી નથી.
ઓક્ટોબર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શનની આજે પૂર્ણાહૂતિ થઇ હતી. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો ભારત માટે પડકારરુપ બની ગઈ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર, સાઉદી અરેબિયામાં નવેસરના ઘટનાક્રમની અસર પણ જાવા મળી રહી છે. શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનાથી ભારે અફડાતફડી જાવા મળી રહી છે. વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૩૧૯૭૭ કરોડ રૂપિયા અથવા તો ચાર અબજ ડોલરથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. હાલમાં ચાલી રહેલા ગ્લોબલ ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે મૂડીરોકાણકારો સાવચેતીપૂર્વકનું વલણ અપનાવીને જંગી નાણાં ભારતીય મૂડી માર્કેટમાંથી પાછા ખેંચી રહ્યા છે. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો અને અમેરિકામાં નવેસરના ઘટનાક્રમની અસર જાવા મળી રહી છે. સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સંસેક્સ ૧૮૭ પોઇન્ટ ઉછળીને ૩૪૦૩૪ની ઉંચી સપાટી પર રહ્યો હતો.