આવતીકાલે ૧૫મી ઓગસ્ટ એટલેકે સ્વતંત્રતા દિન છે. ધડાધડ બધાના વ્હોટસપ અને FB ના ‘DP’માં તિરંગાના રંગો ઉતરવા મંડશે. ઓચિંતો જ દેશપ્રેમ જાગૃત થવા લાગશે! જથ્થાબંધમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, આઝાદી અને સ્વાતંત્ર્ય વીરો વિશેના મેસેજીસ ફરતા થઈ જશે. કાલના દિવસ પૂરતો ગાડીઓ પર, કપડાં કાં તો હાથમાં લહેરાતો રાષ્ટ્રધ્વજ જોવા મળશે. અચાનક જ યાદ આવી ગયું હોય તેમ સરહદો પર દેશની રક્ષા કરતાં જવાનોને શુભેચ્છા પાઠવાશે અને શહીદ થઈ ગયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. “હું ભારતીય છુ અને ભારતીય હોવા પર મને ગર્વ છે” આવી આવી છેતરામણી વાતો ચૌરે- ચોકે સંભળાતી હશે. “સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા “ રીંગટોનથી બધાના મોબાઇલ ગુંજતા હશે ……. પછી????……
સાંજ પડતાં જ જેમ રાષ્ટ્રધ્વજને ઉતારી, બરાબર ગડી કરીને આગલા રાષ્ટ્રપર્વ માટે સાચવીને રાખી દેવામાં આવે છે તે રીતે લોકો પોતાની દેશભક્તિનું પહેરણ ઉતારી ગડી કરીને મૂકી દેશે! આગલા રાષ્ટ્રપર્વ માટે જ તો! ફરી બધા ભારતીય મટીને હિન્દુ, મુસ્લિમ,શીખ , ઈસાઈ બની જશે. ફરી પાછા ગુજરાતી, મરાઠી , બંગાળી બની જશે. ફરીથી સરહદ પરના જવાનોના ત્યાગને ભૂલીને સરહદની અંદર નાત-જાત- અને ધર્મના નામે લોકો લડતા રહેશે… તકસાધુ રાજકારણીઓ આની આગ પર પોતાના રોટલા શેકતા રહેશે…
ભારતમાતા ભીની આંખે રાહ જોઈ બેસસે ૨૬મી જાન્યુઆરી કે જ્યારે બધા ફરી પાછા……..!
- શબનમ ખોજા