” વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કર્યે સુ સર્વદા.”
સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના.
ગણોના અધિપતિ એટલે દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર, પ્રથમ પૂજ્ય શ્રી ગણેશ. વક્રતુંડ અને વિઘ્નહર્તા વિનાયક, જોકે આપણે સૌ આ દરેક બાબતથી પરિચિત છીએ જ. એથી જ, જાણીતી છતાં કંઇક અલગ વાત રજુ કરવા માગું છું.
દુંદાળું અને મોટું પેટ, ટૂંકા હાથ ને પગ અને ભારેખમ શરીર પર ગજરાજનું મુખ. એ પણ સૂપડા જેવા કાન અને વાંકી સૂંઢ સાથે. દેખાવે તદ્દન અસામાન્ય ,અલગ અને કદાચ વિચિત્ર. જો તેઓ દેવ તરીકે ના પૂજાતા હોત તો આપણને ફક્ત દેખાવના કારણે પણ એમનો સખત અણગમો હોત જ.
જી હા. આપણે મનુષ્યો આજે પણ દેખાવને એટલું મહત્વ આપીએ છીએ કે એના થકી જ જીવનમાં આવતાં લોકોનું મૂલ્યાંકન કરી નાખીએ એવા પાવરધા બની ગયાં છીએ. ભલે પોતાનું ન કરીએ પણ અન્યનું મૂલ્ય આંકવામાં પેહલા હોઈએ . કદાચ એટલે જ ભગવાને એક આવું સ્વરૂપ ધારણ કર્યું હશે એમ હું માનું છું.
આપણે તમામ લોકો અપૂર્ણ છીએ, એક યા બીજી રીતે. પૃથ્વી પર કેટલાય એવા લોકો છે જે શારીરિક માનસિક રીતે અસ્થિર – અસ્વસ્થ છે. એમનો સ્વીકાર કરવો અને એમનો સહારો બનવો એ માનવતા છે. માત્ર એ બેઢંગી છે એવું કહી એમનો તિરસ્કાર દુનિયા ન કરે એટલે જ કદાચ શ્રી ગણેશ આવા સ્વરૂપે અવતરિત થયા હશે. આવા દરેક બાળકો – લોકો વિશિષ્ટ છે. ભગવાન શ્રી ગણેશની જેમ જ. મોટી ફાંદ ને વાંકી સૂંઢ એમને અલૌકિક બનાવે છે, ગજમુખ પર મુગટ કે કેસરિયો સાફો, ભાલે તિલક ને ખભે જનોઈ શોભામાં અભિવૃદ્ધિ ને લાલિમા માં વધારો કરે છે. તેઓ આ વિશેષ દેખાવ હોવા છતા વિઘ્નહર્તા છે. અખિલ બ્રહ્માંડના દુઃખો અને મુશ્કેલીઓ દૂર કરે છે. નિરાધારનો આધાર સંતતિ, સંપત્તિ, સુખ અને સફળતાનાં દાતા છે. એમના સ્થાપન – પૂજન વિના કોઈ કાર્ય શરૂ નથી થતું. આ શીખવે છે સ્વીકારની ભાવના., સન્માનની ભાવના. જે રીતે આપણે આ દેવ ને સહર્ષ નતમસ્તક સ્વીકાર્યા છે એ જ રીતે એ દેવના દિધેલા માનવીને પ્રેમ પૂર્વક અપનાવીને માનવતાને ઉજાગર કરવી રહી.
આ ગણેશ ચતુર્થી આપણે પણ જો આપની આસપાસ રહેલા દિવ્યાંગો નો સ્વીકાર કરતાં થઈશું તો કદાચ સ્વમાં રહેલો ઈશ્વર વધારે પ્રસન્ન થશે.
- અન્ધારિયા નિયતિ
નોંધઃ પ્રસ્તુત લેખમાં રજૂ કરાયેલ તમામ તારણો અને વિચારો લેખકને સ્વાધિન છે.