સર્વે માઈભક્તોને આદિત શાહના જય અંબે…
વાચક મિત્રો, આજે નવરાત્રિનો ત્રીજો દિવસ. આજે આપણે જાણીશું જગદંબાની ત્રીજી મહાવિદ્યા – છિન્નમસ્તા એટલે કે જોગણી માતા વિશે. આ સ્વરૂપ સમગ્ર ભારત પૈકી ગુજરાતમાં સૌથી વધુ પૂજાય છે. ગુજરાતના દરેક ચાર રસ્તે જોગણી માની એકાદ નાની દેરી તો જોવા મળી જ જશે. તો ચાલો જાણીએ મા છિન્નમસ્તા વિશે અને એ પણ જાણીએ કે શા માટે માના હાથમાં પોતાનું જ કપાયેલું મસ્તક છે અને કેમ મા પોતે જ પોતાનું રક્તપાન કરી રહ્યા છે.
દેવી છિન્નમસ્તા
આ મહાવિદ્યાનો સંબંધ મહાપ્રલયથી છે. મહાપ્રલયનું જ્ઞાન મેળવનાર આ મહાદેવી જોગણી ભગવતી અંબિકાનું જ રૌદ્ર સ્વરૂપ છે. દેવીનું આ સ્વરૂપ જરા અલગ અને સાધકને પ્રથમ નજરે વિચલિત કરી દેનારું છે. તેઓ કામદેવ અને રતિ પર તેમની સંભોગ અવસ્થામાં ઊભા છે જે તેઓની સર્જનની અવસ્થા સૂચવે છે. તેમણે એક હાથ માં ખડગ અને બીજા હાથમાં પોતાનું જ કપાયેલું મસ્તક ધારણ કર્યું છે, જે તેમના સંહારભાવને રજૂ કરે છે. તેમના કપાયેલા મસ્તકમાંથી લોહીની જે ધારાઓ નીકળે છે, તેમાંની એક પોતે સ્વયં પીતી હોય છે અને અન્ય બે પ્રવાહોથી તેમની વર્ણિની અને શાકિની નામની બે શક્તિઓને તૃપ્ત કરે છે જે તેમની પાલનની અવસ્થા સૂચવે છે. ઇડા, પિંગલા અને સુષમા આ ત્રણ નાડીઓનું તે સંચલન કરે છે, દેવીના ગળામાં ખોપડીઓની માળા અને કાંડા પર યજ્ઞોપવિત છે. જો સાધક તેમના શાંત ભાવથી તેમની ઉપાસના કરે છે, પરંતુ તે તેમના શાંત સ્વરૂપમાં દર્શન આપે છે. ઉગ્ર સ્વરૂપમાં ઉપાસના કરવાથી તેમના ઉગ્ર સ્વરૂપમાં દર્શન થાય છે, જેનાથી સાધકને ઉચ્ચાટન પણ થાય છે. દિશાઓ તેઓનાં કપડાં છે. તેમની નાભિ માં યોનિ ચક્ર છે. છિન્નમસ્તાની સાધના નવરાત્રિ કે દિવાળીની રાત્રિએથી શરૂ કરવામાં આવે છે. આ માતૃકાની ચાર લાખ જાપ થકી સાધના કરવાથી સાધક પર દેવી કૃપા કરે છે. જપનું દશાંશ હાવન, હાવનનું દશાંશ તર્પણ, તર્પાનનું દશાંશ માર્જન અને માર્જનનું દશાંશ બ્રાહ્મણ અને કન્યા ભોજન કરવું જોઈએ.
પ્રાગટ્ય
સતયુગ પૂર્વે જ્યારે પ્રલય આવ્યો અને ફરીથી જગત સર્જન કરવાની જરૂર પડી ત્યારે મા શક્તિએ પોતાની બે સખી જયા અને વિજયાને સાથે લીધી. સૌથી પહેલા તેમણે કામદેવ અને રતિનું સર્જન કર્યું જેમના થકી સંસારમાં સ્ત્રી અને પુરુષ અવસ્થાની શરૂઆત થઈ ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી કામ ચાલવાને લીધે અને તંત્રશક્તિના પ્રભાવને પરિણામે જયા અને વિજયા થાકી ગયા. ભૂખ અને તરસને લીધે તેમણે જગદંબાને પોતાની તૃષા છિપાવવા વિનંતી કરી. ભોજનની કોઈ વ્યવસ્થા ન હોવાને લીધે માતાએ પોતાનું જ મસ્તક વધેરીને તેમાંથી રક્તની ત્રણ ધારાઓ બહાર કાઢી જેમાંથી એક ધારાથી પોતાની અને અન્ય ધારાઓથી પોતાની સખીઓની તૃષા છિપાવી. રક્તપાનને લીધે દેવીને, જયા અને વિજયાને જોગણીનું પદ પ્રાપ્ત થયું. પોતાનું જ મસ્તક છિન્ન કરવાને લીધે છિન્નમસ્તા કહેવાયા જ્યારે જયા અને વિજયાને અનુક્રમે વર્ણિની અને શાકિની પદ પ્રાપ્ત થયું.
પ્રકાર
આમ, તંત્રશાસ્ત્ર મુજબ કુલ ચોસઠ પ્રકારની જોગણીઓ છે જેમાં છિન્નમસ્તા તેમની રાણી કહેવાય છે. ગુજરાતમાં મુખ્યત્વે છબીપૂજા કરવામાં આવે છે. સમસ્ત ઠાકોર સમાજ અને અન્ય તમામ જ્ઞાતિઓ માના ચરણે શીશ ધરે છે. સુખડી અને શ્રીફળ માનું નૈવેદ્ય છે. મંગળ અને રવિ માના પ્રિય વાર છે. ગુલાબ અને લાલ જાસૂદ અને લાલ કરેણ માના પ્રિય પુષ્પ છે.