* શ્રી શક્તિસૂત્રમ્ – આદિશક્તિ અંબિકાના અવતરણની ગાથા *
સર્વે માઈભક્તોને આદિત શાહના જય અંબે…
વાચક મિત્રો, આજે નવરાત્રિનો આઠમો દિવસ. આજે આપણે જાણીશું જગદંબાની આઠમી મહાવિદ્યા – બગલામુખી વિશે.
દેવી બગલામુખી:
મા બગલામુખી એ આઠમી મહાવિદ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં તેમનું પ્રાગટ્ય સ્થાન માનવામાં આવે છે. તે હળદરના પાણી દ્વારા પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. માના શરીરનો વર્ણ હળદર જેવો પીળો હોવાને લીધે તેમને પિતાંબરા દેવી પણ કહેવાય છે. મધ્યરાત્રિના સમયમાં આ મહાવિદ્યાની ઉપાસના વિશેષ સિદ્ધિ લાવે છે. તેમનો ભૈરવ મહાકાલ છે.
પ્રાગટ્ય:
માતા સ્તંભનશક્તિની અધિષ્ઠાત્રી છે એટલે કે તેઓ તેમના ભક્તોનો ડર દૂર કરીને, દુશ્મનો અને તેમના દુષ્ટ દળોનો નાશ કરે છે. તેમને પીળો રંગ ખૂબ જ પ્રિય છે હોવાથી તેમની પૂજામાં પીળા પદાર્થનો ઉપયોગ થાય છે. દેવીનો રંગ સોનાની જેમ પીળો છે, તેથી માતાની પૂજા કરતી વખતે સાધકે પીળા કપડા પહેરવા જોઈએ. સમગ્ર બ્રહ્માંડની શક્તિઓમાં બગલામુખી માતાની પૂજા, વિજયના રૂપમાં, યુદ્ધમાં વિજય, શત્રુનાશ અને વાદવિવાદમાં જીત મેળવવા માટે કરવામાં આવે છે. તેમની પૂજા દ્વારા દુશ્મનો નાશ પામે છે અને ભક્તનું જીવન તમામ પ્રકારના અવરોધોમાંથી મુક્ત થાય છે.
સતયુગમાં (હિન્દુ કથા પ્રમાણે બ્રહ્માંડમાં પ્રથમ યુગ), એક મહાન તોફાને સૃષ્ટિના તમામ સર્જનનો નાશ કરવાનું શરૂ થયું. દેવી ત્રિપુરાસુન્દરીને ખુશ કરવા માટે વિષ્ણુ ભગવાને હરિદ્રા સરોવરના કાંઠે પીળી વસ્તુઓની મદદથી દેવીની સાધના શરૂ કરી. વિષ્ણુની ભક્તિથી આનંદિત દેવી હરિદ્રા સરોવરમાંથી બગલામુખી સ્વરૂપે પ્રગટ થયા. એક હાથમાં ગદા અને વરદમુદ્રા ધરાવતા દેવી બગલા પર આરૂઢ હતા. દેવી બગલામુખીએ તોફાનને શાંત કર્યું અને બ્રહ્માંડને પુનઃસ્થાપિત કર્યુ.
બીજી વાર્તામાં નોંધવામાં આવ્યું છે કે મદાન નામનો રાક્ષસ વાક-સિદ્ધિને હસ્તગત કરે છે, જેના લીધે તે જે કઈં પણ કહેતો તે સાચું પડતું હતું. ધીમે ધીમે મદાન તેનો દુરુપયોગ કરી રહ્યો હતો. ત્રસ્ત દેવોએ મા બગલામુખીને આરાધ્યા. દેવીએ પોતાની સ્તંભન શક્તિથી મદાનની શક્તિને પોતાના વશમાં કરી લીધી. દેવીએ તેની જીભ ખેંચીને તેના માથા પર ગદાથી પ્રહાર કર્યો અને મદાનનો અંત આણ્યો. મૃત્યુ પહેલાં મદાને માતાજીને વિનંતી કરી કે માતાની સાથે તેને પણ પૂજવામાં આવે આથી આ જે પણ માતાજીના ફોટામાં માની સાથે રાક્ષસને પણ પૂજવામાં આવે છે.