* શ્રી શક્તિસૂત્રમ્ – આદિશક્તિ અંબિકાના અવતરણની ગાથા *
સર્વે માઈભક્તોને આદિત શાહના જય અંબે…
વાચક મિત્રો, આજે નવરાત્રિનો સાતમો દિવસ. આજે આપણે જાણીશું જગદંબાની સાતમી મહાવિદ્યા – માતંગી દેવી વિશે.
દેવી માતંગી:
મતંગ એ શિવનું એક નામ છે. શિવના આ સ્વરૂપની શક્તિ માતંગી કહેવાય છે. તે માથા પર ચંદ્ર અને શરીરે કાળો રંગ ધરાવે છે. તે વાગ્દેવી સરસ્વતીનું પરિપૂર્ણ સ્વરૂપ છે. તેમના ચાર હાથ ચાર વેદ છે. માતંગી માતાજી વૈદિકો (બ્રાહ્મણો)ની સરસ્વતી છે. મોઢ બ્રાહ્મણો અને વણિકોની તે કુળદેવી પણ છે. પલાશ (કેસૂડો) અને મલ્લિકાના પુષ્પો ધારણ કરતી આ દેવીનું બિલિપત્રથી પૂજન કરવાથી વ્યક્તિ પર માતંગી પ્રસન્ન થાય છે અને વ્યક્તિમાં આકર્ષણ અને સ્તંભન શક્તિનો વિકાસ થાય છે. જે વ્યક્તિ માતંગીને સિદ્ધિ કરી લે છે, તે પોતાની ક્રીડા, કૌશલ્ય અને સંગીતથી તમામ વિશ્વનું દિલ જીતી લે છે. વશીકરણમાં પણ માતંગી સાધના અસરકારક કાર્યસિદ્ધિ આપે છે પરંતુ ખોટા ઉદ્દેશથી કરવામાં આવતા વશીકરણ પ્રયોગમાં વ્યક્તિ પોતે જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
પ્રાગટ્ય:
હિંદુ શાસ્ત્રોનુસાર ભગવાન શિવના તમામ ગણો પૈકી ચાંડાળને હંમેશા નીચા ગણવામાં આવતા હતા. માતંગીપુરાણ અનુસાર, એક વાર ચાંડાળે જ્યારે દેવી પાર્વતી સમક્ષ પોતાનો એઠો ખોરાક પ્રસાદ તરીકે ધર્યો ત્યારે તમામ દેવતાઓ દેવી પાર્વતીને તેઓ ઉચ્ચ કોટિના દેવી હોવાને લીધે ચાંડાળનો એઠો ખોરાક ખાવાની ના પાડે છે. ત્યારે દેવી પાર્વતી ચાંડાળી સ્વરૂપ એટલે કે માતંગી સ્વરૂપ લઈને ચાંડાળનો ધરાવેલો એઠો ખોરાક આરોગે છે અને તેની ભક્તિ અને શ્રદ્ધા સ્વરૂપે વરદાન આપે છે કે જ્યાં સુધી તેની જાતિના લોકો મનુષ્ય શરીરને નહિ ભાંગે ત્યાં સુધી આત્માની મુક્તિ થશે નહિ. આથી જ હાલના સમયમાં પણ અગ્નિદાહ પછીની પ્રકિયા ચાંડાળો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. આમ, માતંગી દેવી સમતા અને સમાંતરતાનું પ્રતીક છે.
દૈવી સ્થાનક:
હાલમાં દેવી માતંગીનું સૌથી મોટું સ્થાનક ગુજરાતના મહેસાણા નજીક મોઢેરા ગામે આવેલું છે. મોઢ જ્ઞાતિના કુળદેવી હોવાને લીધે તેઓ મોઢેશ્વરી તરીકે પણ ઓળખાય છે. આ મંદિરમાં માતાજીને અઢાર હાથ વાળા સ્વરૂપમાં સિંહારૂઢ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલા છે. કહેવાય છે કે માતાજીની અસલ પ્રતિમા મૂળ મંદિરની નજીક એક વાવમાં આવેલી છે. કહેવાય છે કે મુઘલોના આક્રમણ દરમ્યાન ગામના તમામ લોકો માતાજીની મૂર્તિ કૂવામાં પધરાવીને ગામ છોડી જતા માતાજી ગુસ્સે થયેલા છે. એવું પણ કહેવાય છે કે આ મૂર્તિ વાવમાં ઊંધી અવસ્થામાં એટલે કે માથું નીચે અને પગ ઉપર તરફ હોય તેવી અવસ્થામાં રહેલી છે. એક વાયકા પ્રમાણે માએ ફરીથી પ્રગટ થવા એવી શરત મૂકી છે કે જો એક જ પંગતમાં વીસ મણ મીઠું (નમક) વાપરવામાં આવે તો જ તેઓ ફરીથી પ્રગટ થશે. જય દેવી માતંગી…જય દેવી મોઢેશ્વરી…