અમને સમજણ આવવા મંડેલી ત્યારથી જ બાના સ્વભાવની પ્રતીતી થવા માંડેલી. બાપુજી નાનપણમાં અમને કોઇ કારણસર ધમકાવતા કે હાથ ઉપાડવા જતા ત્યારે બા વચ્ચે પડીને એમને વારતાં. મને કે મારા ભાઇને તાવ આવે તો બા એકદમ ગભરાઇ જતાં. મનમાં જેવી સૂઝે તેવી બે ત્રણ બાધાઓ તો એ રાખી જ લે. બાપુજી જઇને ડોક્ટરને બોલાવી લાવે ત્યારે બા ડોક્ટરને ઘણા બધા પ્રશ્નો પૂછી નાંખે. ડોક્ટર સાહેબ એમને શાંતિથી સમજાવતા.
બાપુજી પણ ખૂબ સમજાવે ત્યારે એમને શાંતિ થતી. હાથે પગે ને માથા ઉપર એ જોર જોરથી બામ ઘસી અપતાં. ઘણીવાર તો મને એમની પાસે બામ ઘસાવવા માટે જ માંદા પડી જવાનું મન થતું. ખૂબ મઝા આવતી. ક્યારેક તો અમારી બિમારીમાં એ રડી પણ પડતાં.
શાળામાં કોઇ છોકરાઓએ મને કે મારા મોટાભાઇ સાથે ઝઘડો કરી ધોલ ધપાટ કરી હોય તો બા અમને લઇને તે છોકરાના ઘરે જઇને તેનાં મા બાપને બરાબરનું સંભળાવી આવતાં. બાએ અમારા ઉપર પ્રેમનો ધોધ વહાવ્યો છે. એનું વર્ણન કરવું તો બહુ મુશ્કેલ છે. અમુક પ્રકારના સુખની તો અનુભૂતિ જ થઇ શકે. બા ભણેલાં નહિ પણ એમની હૈયા સૂઝ બહુ. ગમે તેવા અટપટા પ્રશ્નોનું નિરાકરણ તેમની પાસેથી મળી જ રહેતું. અડોશ પડોશમાં રહેતા લોકો પણ બાની સલાહ સૂચન લેવા આવતા. અમે બધા ખેતરોમાં રમતા. અમારા ખેતરમાં એક આંબો એવો હતો કે એના ઉપર આવતી કેરીઓ લાડવા જેવી જ આવતી. એ આંબાનું નામ લાડવો આંબો હતું. બાપુજી તો એ આંબો વેચી દેવાનું ઇચ્છતા પણ બા જીદ કરીને એ વેચવા દેતાં નહિ.
એ આંબા નીચે અમે બેસતા. નવા મોરીયાનું ( માટીનો ઘડો)ઠંડુ પાણી પીતા.બાએ લાવેલુ ભાતુ અમે બધા ખાતા. આંબા ઉપર આવેલી કેરીઓમાં ઉપરના ભાગમાં થોડો થોડો રતુંમડો રંગ આવી જતો. આવા આછા રતુંમડા રંગવાળી કેરીઓથી છવાયેલો લાડવો આંબો અને તેની નીચે અમારાં બાની બાજુમાં બેઠા બેઠાં કરેલું ભોજન હજીય એવું ને એવું યાદ છે.આજે પણ હાઇવે પરથી પસાર થતાં કોઇ કેરીઓથી લચી પડેલો આંબો જોઉં છું ને મારા મનમાં અમારા બાળપણનો લાડવો આંબો આખોને આખો ઉગી જાય છે. અમારા લાડવા આંબાની જે કેરીઓ ઉતરે તેના બા ત્રણ ભાગ કરાવતાં. એક ભાગ ગામના મંદિર, બ્રાહ્મણો અને નિશાળમાં છોકરાંને મોકલાવતાં.એક ભાગમાંથી અમારા જ્ઞાતિજનો તેમ જ બહારગામ રહેતા સગાઓને કેરીઓ પહોંચાડતાં. બાકીની કેરીઓ પૈકી ઘરમાં ખાવા જેટલી રાખીને વધારે હોય તો વેચી નંખાવતાં.
દિવસો વીતતા ગયા, અમે બાના સ્નેહ અને સાનિધ્યના ઝૂલે ઝૂલતા ઝૂલતા મોટા થતા ગયા. મોટાભાઇ ગ્રેજ્યુએટ થઇ ગયા. એમનું લગ્ન થઇ ગયું. એમને અમદાવાદ સરકારી નોકરી મળી ગઇ. શરૂઆતમાં એ થોડા મહિના એકલા રહ્યા પણ પછી બાએ જીદ કરીને ભાભીને સાથે મોકલી આપ્યાં. ત્યારે તેમને મોટાભાઇને કહેલું, ” ભાઇ તારી વહુનું મારે અહીં રાખીને શું કામ છે ? હજી તો હું મજબૂત છું. અમારી સેવા કરવાની બહુ વાર છે. વળી બહારનું ખાવાથી તારી તબિયત બગડે એ જૂદુ. ” સમયના વીતવાની સાથે મારું પણ લગ્ન થઇ ગયું. મને પણ નોકરી મળીને મારે પણ પત્ની સાથે બહારગામ રહેવા જવાનું થયું.ગામડે બા બાપુજી એકલાં રહી ગયાં . અમે નોકરી અર્થે બાથી છૂટાં પડેલાં ત્યારે એ ખૂબ રડી પડેલાં. પણ પછી તો ‘ દીકરા થોડા ને દેશાવર ઘણાં’ એમ મન મનાવીને એમણે અમને વિદાય આપેલી. એ અવાર નવાર બાપુજી સાથે અમારે ઘેર આવતાં મોટાભાઇના ઘેર અમદાવાદ પણ જતાં . પરંતુ મૂળથી એ ગામડામાં રહેલાં અને ભણે લાં નહિ હોવાને કારણે એમને શહેરમં અમારી સાથે વધારે રહેવાનું ફાવતું નહિ. એમની ઉંમર્ સિત્તેરની થવા આવી ત્યારે બાપુજીનો દેહાંત થયેલો. અમે બાને અમારી સાથે રહેવા આવી જવા ખૂબ સમજાવ્યાં પણ એ સંમત ન થયાં.એ તો કહેતાં, ” ભઇ શેરમાં મને નહિ ફાવે, હજી તો મારા હાથ પગ ચાલે છે, નંઇ ચાલે ત્યારે તો તમારા ઘેર આવવાનું જ છે ને ??
બાને અમે અમારી સાથે લઇ જવાની જીદ કરીએ તો એ રડી પડતાં. બાપુજીને યાદ કરતાં. ત્યારે મને થતું કે બાને એમની યાદો સ્મૃતિઓથી ભરેલા વાતાવરણમાંથી જબરદસ્તીથી છૂટા પાડવા યોગ્ય નથી.
અમે એક કામવાળીની વ્યવસ્થા કરી આપેલી. અને ખાવા પીવા માટે અમારા ગામના પશાકાકા વાણિયાની દુકાને કહી રાખ્યુ હતું કે બાને જે જોઇતું હોય તે આપે રાખવું, છેલ્લાં બે પાંચ વર્ષ તો એ પૂનમ અગિયારસ કે કોઇ ધાર્મિક તહેવાર હોય તો ગામના અન્ય લોકો સાથે એ દેવ દર્શને જતાં. નજીકમાં ક્યાંક કોઇ મહારાજની ભાગવદ સપ્તાહ કે રામાયણ કથા ચાલતી હોય તો બધા જ દિવસ એ કથા સાંભળવા જતાં.
બાને અમે ભરપુર સુખ આપવાની કોશિશ કરેલી. પણ એક વાતનો મને આજે ય વસવસો છે. એમના મૃત્યુના બે એક વર્ષ અગાઉ એ જ્યારે જ્યારે અમારે ત્યાં આવતાં ત્યારે એ ખાસ કહેતાં, ” ભઇ,આ મને કોઇએ ભણાવી હોત તો બહુ હારુ થાત, પેલી રાતની નિશાળો ચાલેલી એમાં ય મને જવાની બહુ ઇચ્છા થયેલી પણ તારા બાપુજીએ મને જવા જ ના દીધી ” અમને બાની વાત સાંભળી નવાઇ થતી, બાને હવે આ ઉંમરે ભણીને શું કરવું હશે ? એમને વળી ક્યાં હિસાબ કિતાબ કરવાના હતા ??? હું કહેતો, ” બા હવે તમારી જીંદગી પૂરી થવા આવી, આજ સુધી તો તમને કંઇ તકલીફ પડી નથી ને હવે શું ફેર પડવાનો હતો ??
” અલ્યા ભઇ હું ભણેલી હોત ને તો ચોપડીઓ તો વાંચી શકતને ?? આ બધા બાપજીઓ કેટલી બધી સરસ કથાઓ કે’તા હોય છે ?? અમુક બેનો તો ચોપડીમાં જોઇને કેવાં અસલ ભજનો ગાય છે !!!! ”
બાની વાત મને સાચી લાગતી . એ જો ભણેલાં હોત તો પાછલી ઉંમરે નવરાશના સમયમાં એ ચોપડીઓ વાંચી શક્યાં હોત, સારાં ભજનો ગાઇ શક્યાં હોત. આજે તો બા નથી, પણ એમના જીવનની આવી પદાર્થ પાઠ લેવા જેવી વાતો અને સ્મૃતિઓ અમારા સૌની આસપાસ ફર્યા જ કરે છે.