મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમને વસંત પંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસનું જેટલું મહત્વ ધાર્મિક દ્રષ્ટિએ છે તેટલું જ મહત્વ ઋતુની દ્રષ્ટિએ પણ છે. વસંત પંચમી ભારતનાં અલગ-અલગ ખૂણે અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ઉત્તરભારત, મધ્ય પ્રદેશ, પંજાબ, ગુજરાત, બાંગ્લાદેશ અને નેપાળમાં પણ વસંતપંચમીનું અનેરું મહત્વ છે.
ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. સંગીતનાં સાધકો તથા વિદ્યાર્થીઓ આ દિવસે વહેલી સવારે ઉઠીને સરસ્વતી વંદના કરીને તેમનું પૂજન કરે છે. તેથી વસંતપંચમીને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે કામદેવની તથા શ્રી કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ પણ આ ઋતુથી એટલા પ્રભાવિત હતા કે તેમણે કહ્યું હતું કે ઋતુઓમાં હું વસંત છું.
ઋતુઓની દ્રષ્ટિએ વસંત ઋતુઓને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. આ જ સમયે દરેક વૃક્ષને નવા પાન અને ફુલ ખીલે છે. ખેતરોમાં પણ પાક ઉગીને લહેરાતો જોવા મળે છે અને લણણીનો સમય હોય છે. તેથી લોકો પણ ઉત્સાહમાં હોય છે. આ સમયે કુદરત સોળે કળાએ ખીલી ઉઠેલી હોય છે. યુવા વર્ગ પણ આ સમયે તેમનાં પ્રેમીજનને રીઝવવાનો, પ્રેમનો ઈઝહાર કરવાનો શ્રેષ્ઠ સમય ગણે છે. ભારતીઓનો આ વેલેન્ટાઈન પણ કહી શકાય. વસંત પંચમીને ઋષી પંચમી પણ કહેવાતી હોવાથી દાનધર્મ કરવા માટે પણ આ સમય ઉત્તમ છે. વેલેન્ટાઈન એક દિવસનો હોય છે જ્યારે વસંત ઋતુ પ્રેમની ઉજવણી કરવા માટે ત્રણ મહિના જેટલો સમય એટલે કે આખે આખી ઋતુ હોય છે.
તો આ વસંત પંચમી તમે પણ પૂજા અને પ્રેમથી ઉજવો.