Ahmedabad : અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ રહેલી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતીય મહિલા અને પુરુષ ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો. રવિવારે મહિલા ટીમે યુગાન્ડાને 41-18થી હરાવી હતી, જ્યારે પુરુષ ટીમે મલેશિયા સામે 37-23થી જીત મેળવી હતી.
મહિલા ટીમે યુગાન્ડાને 41-18થી હરાવ્યું
ભારતીય મહિલા કબડ્ડી ટીમે યુગાન્ડા સામેની મેચમાં શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો. ભારતે 23 પોઈન્ટના અંતરથી જીત મેળવી હતી. કેપ્ટન નિધી શર્માએ 9 પોઈન્ટ સાથે ટીમનું નેતૃત્વ કર્યું હતું. સાક્ષીએ 8 અને અનુએ 7 પોઈન્ટ મેળવી ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ડિફેન્સમાં રીતુએ 6 ટૅકલ પોઈન્ટ મેળવી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું, જ્યારે જ્યોતિએ 4 ટૅકલ પોઈન્ટ નોંધાવ્યા હતા. ભારતીય ટીમે કુલ 25 રેડ પોઈન્ટ, 11 ટૅકલ પોઈન્ટ અને 4 ઑલ-આઉટ પોઈન્ટ મેળવ્યા હતા.
યુગાન્ડા તરફથી નમાતાકા બિયાટ્રિસે 7 પોઈન્ટ સાથે સૌથી વધુ યોગદાન આપ્યું હતું, જ્યારે નાબવેગામો કેથરીને 2 ટૅકલ પોઈન્ટ મેળવ્યા હતા. યુગાન્ડાએ 13 રેડ પોઈન્ટ અને 5 ટૅકલ પોઈન્ટ નોંધાવ્યા હતા. જોકે, ભારતીય ટીમના મજબૂત ડિફેન્સ અને આક્રમક રમત સામે યુગાન્ડાની ટીમ ટકી શકી નહોતી.
પુરુષ ટીમે મલેશિયાને 37-23થી આપી માત
ભારતીય પુરુષ કબડ્ડી ટીમે પણ મલેશિયા સામે 14 પોઈન્ટના અંતરથી જીત મેળવી હતી. ભારતના નીરજ નરવાલે 13 પોઈન્ટ સાથે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં 4 બોનસ પોઈન્ટનો સમાવેશ થાય છે. આદિત્ય શિંદેએ 5 પોઈન્ટ અને નવીન કુમારે 3 રેડ પોઈન્ટ મેળવી ટીમને મજબૂતી આપી હતી.
ભારતે પ્રથમ હાફમાં જ 27-11ની મોટી સરસાઈ મેળવીને મેચ પર પકડ મજબૂત કરી હતી. મલેશિયાએ બીજા હાફમાં 12-10થી સારો દેખાવ કર્યો હતો, પરંતુ પ્રથમ હાફમાં સર્જાયેલા પોઈન્ટના અંતરને સરભર કરી શક્યું નહોતું.
ભારતીય ટીમે મેચ દરમિયાન 27 રેડ પોઈન્ટ, 4 ટૅકલ પોઈન્ટ અને 4 ઑલ-આઉટ પોઈન્ટ મેળવ્યા હતા. ડિફેન્સમાં દીપક એસે 2 ટૅકલ પોઈન્ટ સાથે આગેવાની કરી હતી, જ્યારે પ્રવેશ મલિક અને શુભમ શિંદેએ 1-1 ટૅકલ પોઈન્ટ મેળવ્યો હતો.
મલેશિયાના પ્રયાસો છતાં ભારતનો દબદબો
મલેશિયા તરફથી આઇઝેક અલ્ટન અને લિઓન્ગ સુરેશ કિમ સેંગે 6-6 રેડ પોઈન્ટ મેળવી પોતાની ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. લિઓન્ગે એક ટૅકલ પોઈન્ટ પણ નોંધાવ્યો હતો. મલેશિયાએ કુલ 18 રેડ પોઈન્ટ અને 4 ટૅકલ પોઈન્ટ મેળવ્યા હતા.
જોકે, પ્રથમ હાફમાં ભારતે નોંધાવેલા બે ઑલ-આઉટ અને 16 પોઈન્ટની સરસાઈએ મેચનું પરિણામ નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમોનો દમદાર દેખાવ
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતીય મહિલા અને પુરુષ ટીમોએ સતત શાનદાર રમત દર્શાવીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. યુગાન્ડા અને મલેશિયા સામેની જીતથી ભારતીય ટીમોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને સ્પર્ધામાં ભારતના મજબૂત દાવાને વધુ બળ મળ્યું છે.
