હાલમાં રાજ્યમાં ગેરકાયદે ખનન અને નદીઓમાંથી બિન અધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ત્યારે આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ લોંચ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ગેરકાયદે ખનન અને નદીઓમાંથી બિન અધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી લાલ આંખ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ખાણ ખનિજ વિભાગની ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો છે. તેમણે આ આધુનિક ટેક્નોલોજી વિનિયોગને ‘ત્રિનેત્ર’-ત્રીજા નેત્રની ઓળખ આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ સરકાર કોઇ પણ પ્રકારની ભ્રષ્ટ પદ્ધતિઓ, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સતત નજર- સતર્કતા દાખવીને ભ્રષ્ટાચાર રહિત પારદર્શી શાસનના અડગ-નિર્ધાર સાથે વિચલિત થયા વગર કાર્યરત છે.
તેમણે રાજ્યના વિવિધ વિભાગોની કામગીરી સમીક્ષા એક માસ સુધી સતત કર્યા બાદ પોલીસ, ખાણ ખનિજ સહિતના પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેક્નોલોજીનો ઉપયોગ, સુસજ્જ મેનપાવર અને પારદર્શિતા-સંવેદનશીલતા માટે જે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યાં છે તેની ફલશ્રુતિએ આ ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીનો પ્રારંભ કર્યો છે. પોલીસ દળને પોકેટકોપથી સજ્જ કરીને ગુનેગારોના ડેટા હાથવગા બનાવ્યા છે તેની વિગતો આપતા ઉમેર્યું કે હવે ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીથી આ જ પ્રકારે ખાણ ખનિજ વિભાગ પણ ગેરકાયદે ખનન-માફિયાઓને નશ્યત કરી શકશે.
ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગના કમિશનર રૂપવંત સિંહે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ખનિજ સંપદા ઉપલબ્ધ છે. રાજ્યના તમામ ખનિજ વિસ્તારોમાં ઓનલાઇન હરાજીથી જ નિકાલ કરવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે અને રાજ્ય સરકારે ખૂબ ઝડપથી આ અંગેની વ્યવસ્થા ઊભી કરીને સમગ્ર રાજ્યમાં ૬૮૬ જેટલા જુદા જુદા ખનિજોના બ્લોક હરાજી માટે તૈયાર કરી દીધા છે.
આગામી સમયમાં આ બધા જ વિસ્તારો હરાજીથી નિકાલ થશે, જેના કારણે રાજ્યને રોયલ્ટીની મહત્તમ આવક પ્રાપ્ત થશે, રાજ્યનો વિકાસ આંક પણ માઇનીંગ સેક્ટરના કારણે આગળ આવશે એટલું જ નહિં, રોજગારીની પણ વિપુલ તકો સર્જાશે. કચ્છ જિલ્લામાં લાઇમ સ્ટોન ખનિજના ત્રણ મોટા વિસ્તારોનો ગત વર્ષે હરાજીથી નિકાલ કરવામાં સફળતા મેળવી છે, જેના કારણે આવનારા ભવિષ્યમાં રાજ્યને નવ હજાર કરોડ જેટલી માતબર આવક રોયલ્ટી અને પ્રિમિયમના માધ્યમથી થશે. ખનિજ ખોદકામ અને વહનમાં ગેરરીતિઓ નામશેષ કરવા માટે ખનિજ વિસ્તારોનું માઇનિંગ સર્વેલન્સ સિસ્ટમમાં અક્ષાંશ અને રેખાંશ સાથે ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે.
તદઉપરાંત ખનિજોનું કાયદેસર વહન થાય અને તેમાં કોઇ પણ ગેરરીતિને અવકાશ ન રહે તે માટે બારકોડ અને હોલોગ્રામ સહિતના સ્પેશિયલ સિક્યોરિટી પેપર્સ સહિતના રોયલ્ટી પાસ ઇશ્યૂ કરવામાં આવે છે.