શાંઘાઈ : ચીનના મોટા શહેર શાંઘાઈમાં એક શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું છે. આ પ્રકારનું વાવાઝોડું લગભગ 75 વર્ષ પછી શાંઘાઈમાં ત્રાટક્યું છે, છેલ્લી વખત આ શહેર 1949માં ટાયફૂન ગ્લોરિયા ત્રાટક્યું હતું. શાંઘાઈના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તોફાન શાંઘાઈના ‘પુડોંગ ડિસ્ટ્રિક્ટ’માં 42 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફૂંકાતા પવન સાથે પ્રવેશ્યું છે અને તબાહી મચાવીને આગળ વધી રહ્યું છે. આ વર્ષે ચીનમાં ત્રાટકેલું આ 13મું વાવાઝોડું છે, જે યાગીએ દક્ષિણ હેનાન પ્રાંતમાં ત્રાટક્યું હતું અને વિયેતનામમાં તબાહી મચાવી હતી. સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ, 151 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, બેબિન્કા વાવાઝોડું 1949માં ટાયફૂન ગ્લોરિયા પછી શહેરમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી તોફાન છે. વાવાઝોડાના આગમન પહેલા જ વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જે પછી જાેઈ શકાય છે કે જે રસ્તાઓ સામાન્ય રીતે જામથી ભરેલા હોય છે તે પણ ખાલી છે, શહેરમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને જોખમી વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. શહેરના અધિકારીઓએ જણાવ્યું હતું કે રેડ એલર્ટ લાદવામાં આવ્યું છે અને યાંગત્ઝી નદીના મુખ પર સ્થિત એક ટાપુ ચોંગમિંગ જિલ્લામાંથી લગભગ 9,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.
પ્રશાસને તોફાનથી બચવા માટે તમામ જહાજોને બંદર પર પાછા ફરવાના આદેશો જારી કર્યા છે. ઉત્તરીય બાઓશન જિલ્લાના કેટલાક ચિત્રોમાં, તીવ્ર વાવાઝોડાને કારણે રસ્તાના કિનારે વૃક્ષો અને અન્ય માળખાકીય સુવિધાઓ ધ્રૂજતી જોઈ શકાય છે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા વહીવટીતંત્રે હજારો રાહત અને બચાવ કર્મચારીઓને પહેલેથી જ તૈનાત કરી દીધા છે. ટાયફૂન બાબિંકાને કારણે શાંઘાઈમાં હવાઈ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. શાંઘાઈ રેલવે સ્ટેશને જાહેરાત કરી છે કે રવિવારથી સોમવાર સુધી શહેરમાંથી પસાર થતા અનેક ટ્રેક પર રેલ સેવા પ્રભાવિત થશે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના સમાચાર મુજબ, રવિવાર સુધીમાં, 25 મિલિયનની વસ્તીવાળા શાંઘાઈ શહેરમાંથી 4,14,000થી વધુ લોકોને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને શહેરના તમામ હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય હવામાન અધિકારીઓએ જણાવ્યું કે આ મહિને ચીનના દક્ષિણ હેનાન તરફ આવેલા ટાયફૂન યાગીને કારણે ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને 95 લોકો ઘાયલ થયા છે. બાબિન્કા જાપાન અને મધ્ય અને દક્ષિણ ફિલિપાઈનમાંથી પણ પસાર થઈ હતી, જ્યાં વૃક્ષો પડવાને કારણે છ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સીસીટીવીએ જણાવ્યું હતું કે બેબિન્કા ઉત્તરપશ્ચિમ તરફ જવાની ધારણા છે, જે જિઆંગસુ, ઝેજિયાંગ અને અનહુઇ પ્રાંતમાં ભારે વરસાદ અને ભારે પવન લાવશે.