બે દિવસ પહેલા બોટાદના કૃષ્ણસાગર તળાવમાં થોડા યુવાનો નાહવા માટે પડ્યા હતા અને તેમાંથી બે યુવાનો ડૂબવા લાગ્યા હતા. જેને બચાવવા અન્ય યુવાનોએ કોશિશ કરી અને એ કરુણ ઘટનામાં વારાફરતી કુલ પાંચ આશાસ્પદ યુવાનોનાં પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજયા હતાં.
આ ઘટનામાં માર્યા ગયેલા પાંચ યુવકોને પૂજ્ય મોરારીબાપુએ એમની શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે. આ યુવકના પરિવારજનોને હનુમાનજીની સંવેદના રાશિ રૂપે પ્રત્યેક મૃતકને ₹20,000 અને એ પ્રમાણે કુલ ₹1,00,000 ની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા મૃતકોના નજીકના સગાના બેન્ક એકાઉન્ટમાં આ રાશિ જમા કરવામાં આવશે. બોટાદના શ્રી મહેન્દ્રભાઈ મહેતા અને શ્રી હીરાભાઈ દ્વારા આ સહાયતા રાશિ તેમજ કાળી શાલ પૂજ્ય બાપુ વતી પહોંચાડવામાં આવી છે. પૂજ્ય બાપુએ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને પરિવારજનોને દિલસોજી પાઠવી છે.