રાખી સાવંતના લગ્ન જીવનના નાટકના એક પછી એક નવા ચેપ્ટર ખૂલતાં જાય છે. તાજેતરમાં જ રાખીએ પોતાના પતિ આદિલ ખાન દુરાની પર મારપીટ તેમજ છેતરપિંડીનો આરોપ મૂકી પોલીસમાં ફરિયાદ કરી હતી, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. આ દરમિયાન રાખીએ એક ઈન્ટરવ્યૂમાં આદિલ વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આદિલે મારા ન્યૂડ વિડીયો બનાવીને લોકોને વેચી દીધા હતા. મારો કેસ સાયબર ક્રાઇમ વિભાગ પાસે છે. રાખીએ આદિલ વિશે એમ પણ કહ્યું હતું કે તે ગર્લફ્રેન્ડ તનુ સાથે ત્રીજા લગ્ન કરવાનું પ્લાનિંગ બનાવી રહ્યો છે.
ગુરુવારે કોર્ટમાં પહોંચેલી રાખીએ મીડિયાને કહ્યું હતું કે, હું કોર્ટમાં મારો કેસ રજૂ કરવા આવી છું. આદિલને જામીન મળ્યા નથી. મારુ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે અને મેં ઓશીવારા પોલીસ સ્ટેશનમાં પુરાવા પણ સબમિટ કર્યા છે. આદિલે મને ટૉર્ચર કરી છે અને મારી સાથે છેતરપિંડી કરી છે. હું નથી ઇચ્છતી કે તેને જામીન મળે. મેં મારા બેંક સ્ટેટમેન્ટ પોલીસને આપ્યા છે. આદિલે મારો ઓટીપી લઈ લીધો હતો અને મારા પૈસા પણ ચોર્યા હતા, તેણે મારો વિશ્વાસ તોડ્યો છે. રાખીના વકીલોએ કહ્યું, અમારી પાસે એટલા ગંભીર પુરાવા છે કે આદિલને જામીન નહીં મળે. દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી એક મોટો ગુનો છે અને અમે ઇચ્છીએ છીએ કે કોર્ટમાં પણ આ અંગે ચર્ચા થાય.
થોડા સમય પહેલા રાખીએ આદિલ પર આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, આદિલે તેના ઘરેણા ચોરી લીધા હતા અને તેના પૈસા પણ ચાઉ કરી ગયો હતો. રાખીએ તેની માતાના મોત બદલ પણ આદિલને જવાબદાર ઠેરવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, મરાઠી બિગ બોસમાં જતા પહેલા તેણે આદિલને ૧૦ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, જેના દ્વારા તેની માતાની સર્જરી કરવાની હતી. પરંતુ, આદિલે પૈસા તેની માતાની સારવાર પાછળ ખર્ચ્યા ન હતા, જેના કારણે તેની માતાનું મોત નીપજ્યું હતું.