આ વખતે રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ બંને એક જ દિવસે આવી રહ્યા છે. કેવો અદભૂત સંયોગ કહેવાય નહીં ! એક બંધનનો પર્વ છે તો બીજો સ્વતંત્રતાનો. જોકે બંને પર્વમાં એક સામ્યતા એ છે કે તેઓ જાત અને જગતથી આપણું મજબૂતાઈથી જોડાણ કરે છે.
દોસ્તો, આને આપણે સંયોગ કહીશું કે પછી કોઈ સોનેરી અવસર! આ બે તહેવારોના આંતરિક ગઠબંધનને “સુરક્ષાબંધન” કહેવું મને વધારે ઉચિત લાગે છે કારણ તે બંને સુરક્ષા સાથે જોડાયેલા છે. જેમકે પંદરમી ઓગસ્ટને દિવસે આપણે દેશને સુરક્ષિત રાખવાના શપથ લઈએ છીએ જયારે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બહેન તેના ભાઈને પ્રેમ અને સ્નેહથી તેના કાંડા પર “રક્ષા” બાંધી તેને સુરક્ષા અને બળ આપે છે. અરે! બહેનોએ બાંધેલી રક્ષા દરેક ભાઈ માટે સંકટ મોચન બની રહે છે. બદલામાં બહેનને ભેટ આપી ભાઈ તેની આજીવન સુરક્ષા કરવાનું વચન આપે છે.
શું તમને એવું નથી લાગતું કે આ સુ-રક્ષાબંધનના અનોખા સંયોગ નિમિતે ભાઈ બહેને એકબીજા પાસેથી દેશને સુરક્ષિત રાખવાના વચનો લેવા જોઈએ. કારણ જો દેશ સુરક્ષિત હશે તો જ આપણા ભાઈ કે બહેન સુરક્ષિત થઇ શકશે. બરાબર ને? આ માટે આપણે કોઈ ખાસ જહેમત પણ ઉઠાવવી નહીં પડે… દેશને સુરક્ષિત રાખવા આપણે બોર્ડર પર જઈ યુદ્ધ લડવાની કોઈ જરૂર નથી ! એ માટે આપણા ફૌજી ભાઈઓ સક્ષમ છે. મારી બહેનોને નમ્ર વિનંતી કે આ સુરક્ષાબંધનના સુવર્ણ અવસર પર આપણે એક એક રક્ષા આપણા ફૌજી ભાઈઓને પણ મોકલીએ. આમ કરવાથી જે ફૌજી ભાઈઓ દિવસ-રાત ખડે પગે દેશની સેવામાં તત્પર રહે છે તેમનો જોશ અને ઉસ્ત્સાહ વધશે. દેશની બહેનો પોતાની સાથે છે આ ખ્યાલ જ તેમની તાકાત અને હિંમતમાં ઔર વધારો કરી દેશે…
જો કે ફકત બોર્ડર સુરક્ષિત હોવાથી આપણો દેશ સુરક્ષિત થઇ જતો નથી. દેશ સંપૂર્ણ રીતે ત્યારે જ સુરક્ષિત અને વિકસિત થઇ શકે છે જયારે તે આંતરિક રીતે પણ સુરક્ષિત અને મજબુત હોય અને એટલા માટે જ તો હું પંદરમી ઓગસ્ટના દિવસે આવતા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે દરેક ભાઈ બહેને એકબીજા પાસેથી સાત વચનો લેવાનો સૂચન આપું છું.
વચન પહેલું : દેશને વફાદાર રહીને સરકારી કાયદાઓનું પ્રમાણિકતાથી પાલન કરીશું
વચન બીજું : નિયમિત કર ભરીશું.
વચન ત્રીજું : બધા નાણાકીય વ્યવહાર બેંક મારફતે જ કરીશું તથા દરેક વસ્તુની ખરીદી પર બીલ લેવાનો આગ્રહ રાખીશું
વચન ચોથું : પાણી, વીજળી, પેટ્રોલ અને ગેસ જેવી દૈનિક ચીજવસ્તુઓનો કાળજી અને કરકસર પૂર્વક ઉપયોગ કરીશું.
વચન પાંચમું : સ્વ નો લાભ ન જોતા સમગ્ર સમાજના લાભ વિષે વિચારીશું અને એ માટે જો સ્વયંને કંઇક વેઠવાનું આવે તો તે માટેની પણ પુરતી તૈયારી રાખીશું.
વચન છઠ્ઠું : આપણી આસપાસનો પરિસર સ્વચ્છ રાખીશું અને પર્યાવરણ સુરક્ષિત બને તેના પ્રયત્ન કરીશું.
વચન સાતમું : મતદાન આપણો અધિકાર છે અને આપણે અચૂક મતદાન કરીશું.
આપણો ભારત દેશ બોર્ડર પર તો સુરક્ષિત છે જ સાથે જો આપણે ઉપરોક્ત નિયમોનું દિલથી પાલન કરીશું તો તે આંતરિક રીતે પણ મજબુત બની જશે. પછી જુઓ મજાલ છે કોઈ દુશ્મન દેશની કે આપણા દેશ તરફ આંખ ઉઠાવીને પણ જુએ…
આ પંદરમી ઓગષ્ટે આપણે સહુ ઉજવીશું સુરક્ષાબંધન,
સવારે કરી ધ્વજવંદન, ઘરે આવી મનાવીશું રક્ષાબંધન.
દેશભક્તિની શપથ અપાવી, ભાઈના કપાળે લગાવીશું ચંદન.
મોકલી એક “રક્ષા” ફૌજીભાઈઓને, દિલથી તેમને કરીશું વંદન.
અસ્તુ…
- પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
(યોગી પ્રશાંતનાથ જ્યોતિર્નાથ નાથબાવા)