અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની ૧૪૨મી રથયાત્રા આવતીકાલે નીકળનાર છે તે પૂર્વેના પરંપરાગત ધાર્મિક વિધિ અને કાર્યક્રમો પૈકી આજે ભગવાનના સોનાવેશના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, ત્યારે આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીના દાનવીર ભકતો દ્વારા અર્પણ કરાયેલા સોનાના મુગટ, સોનાના હાર સહિતના દર-દાગીના અને ઝરીવાળા અંલકારિક વસ્ત્રોથી બહુ અદ્ભુત અને અલૌકિક સાજ-શણગાર સાથે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ભગવાનના સોનાવેશના અલૌકિક દર્શન માટે હજારો શ્રધ્ધાળુઓ જગન્નાથજી મંદિર ખાતે દર્શન માટે ઉમટયા હતા. તો, આજે ભગવાનના સોનાવેશના દર્શન માટે ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમની પત્ની અંજલિ સાથે આવ્યા હતા અને ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી હતી.
તો, બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસના વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સિધ્ધાર્થ પટેલ સહિતના નેતાઓએ ભગવાનના સોનાવેશના દર્શન કરી પૂજા કરી હતી. મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા તમામ મહાનુભાવોનુ સ્વાગત-સન્માન કરી તેમને ભગવાનના આશીર્વાદ આપ્યા હતા. તો, આજે રથયાત્રાના આગલા દિવસે સેંકડો દાનવીર ભકતો દ્વારા મગ, ચોખા સહિત ધન-ધાન્ય અને ગૌ દાન માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. લોકોએ બોરીઓની બોરીઓ ભરી ભરીને છૂટા-ઉદાર હાથે આજે દાન કર્યું હતું. રથયાત્રાને લઇ આજે મંદિર પરિસરમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો હતો. રથયાત્રાના આગલા દિવસે ખુલ્લા મૂકવામાં આવતાં ભગવાનના સોનાવેશના દર્શનનું ખૂબ જ મહત્વ હોય છે કારણ કે, વર્ષમાં એક જ દિવસ માટે ભગવાનને સોનાના ખૂબ જ સુંદર અને મનમોહક આભૂષણોથી શૃંગારિત કરાય છે.
ભગવાનના સોનાના સાજ શણગારના દર્શન કરવાથી વ્યકિતના જીવનમાં સુવર્ણકાળ શરૂ થતો હોય છે એવી પણ ધાર્મિક માન્યતા છે. આજે સોનાવેશના દર્શન કરવા માટે જગન્નાથજી મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રધ્ધાળુ ભકતોએ પડાપડી કરી હતી. મંદિર પ્રાંગણમાં જય જગન્નાથ, જય જગન્નાથ અને જય રણછોડ, માખણચોરના ભકિતનારા ગુંજી ઉઠયા હતા. સમગ્ર માહોલ ભકિતમય બની ગયો હતો. ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાને લઇ શહેરભરમાં ઉત્સાહનો માહોલ પ્રવર્તી રહ્યો છે ખાસ કરીને મંદિર પ્રાંગણમાં તો ઉત્સવ જેવું વાતાવરણ છવાઇ ગયું છે. તો, મોસાળ સરસપુરમાં પણ ભગવાનના આગમનની ભારે આતુરતાપૂર્વક રાહ જાવાઇ રહી છે. બીજીબાજુ, નગરજનો પણ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ સાથે નગરના માર્ગો પર નીકળે એટલે તેમના દર્શન કરવા માટે મીંટ માંડીને બેઠા છે ત્યારે આજે જગન્નાથજી મંદિર ખાતે ભગવાનના સોનાવેશના અલૌકિક દર્શન, રથપૂજન, મહાઆરતી સહિતના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા.
સવારે ૮-૦૦ વાગ્યાથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને સોનાવેશ સાજ-શણગાર કરી તેમના દર્શન લોકકલ્યાણર્થે ખુલ્લા મૂકાયા હતા. સોનાવેશ દર્શનનો અનેરો મહિમા હોઇ પહેલેથી જ ભીડ જમાવીને ઉમટેલા શ્રધ્ધાળુ ભકતોએ દર્શન માટે ભારે પડાપડી કરી હતી. ભગવાનના અદ્ભુત દર્શન કરી દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી. મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને સોનાના આભૂષણો ઉપરાંત ચાંદીના હાથ પહેરાવાયા હતા અને ભવ્ય સાજ શણગાર કરાયો હતો. હજારો શ્રધ્ધાળુ ભકતો આજે ભગવાનના સોનાવેશના અલૌકિક દર્શન કરી જાણે ધન્યતા અનુભવી હતી.