અમદાવાદ : ગરમીના પ્રમાણમાં આંશિક રાહત થઇ છે. મહત્તમ તાપમાનમાં પણ નજીવો ઘટાડો થયો છે. જા કે, ઉંચા તાપમાનના કારણે લોકોની હાલત હજુ પણ કફોડી બનેલી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩.૨ ડિગ્રી રહ્યું હતું. આવતીકાલે મહત્તમ તાપમાન ઘટીને ૪૩ સુધી પહોંચી શકે છે. હિટવેવ માટે કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી. આજે મોટાભાગના વિસ્તારોમાં પારો ગગડ્યો હતો. ગરમીના કારણે ઇમરજન્સી સેવા ૧૦૮માં આવતા કોલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. લોકોને બહાર નિકળવા માટેની સલાહ પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૪૦થી ૪૩ વચ્ચે રહ્યો હતો. ગરમીથી બચવા માટે શહેરમાં જુદી જુદી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
કોર્પોરેશન તરફથી લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જાઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. આજે અમદાવાદ શહેરમાં પણ લોકોની હાલત કફોડી બની ગઈ હતી. અમદાવાદમાં એપ્રિલ માસમાં આટલી ગરમી હાલમાં સૌપ્રથમવાર નોંધાયા બાદ રેડ એલર્ટ જાહેર કરાયું હતું પરંતુ હવે ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે.
સાથે સાથે ગરમીને લઇ અમ્યુકો દ્વારા ખાસ એકશન પ્લાનની પણ જાહેરાત કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ૪૩.૨, ડિસામાં ૪૦.૨, ગાંધીનગરમાં ૪૨.૫, વડોદરામાં ૪૨.૪, અમરેલીમાં ૪૨, રાજકોટમાં ૪૧.૪, સુરેન્દ્રનગરમાં ૪૧.૮ સુધી પારો રહ્યો હતો. હિટવેવની ચેતવણી જારી ન કરતા તંત્રએ રાહત અનુભવ કરી છે. તાપમાનમાં હજુ પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.