નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે સાત તબક્કામાં યોજાનાર ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે તેનો ઘોષણાપત્ર જારી કર્યો હતો. જેમાં અનેક મોટા વચન આપવામા આવ્યા છે. જેમાં નાના ખેડુતો અને દુકાનદારોને પેન્શન આપવાની વાત કરવામાં આવી છે. સાથે સાથે તમામ વર્ગના લોકોને આવરી લેવામાં આવ્યા છે. ઘોષણાપત્રમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રવાદ પ્રત્યે અમારી પૂર્ણ કટિબદ્ધતા છે. ત્રાસવાદ પ્રત્યે જીરો ટોલરન્સની આક્રમક નીતિ જારી રહેશે. સાથે સાથે એક મજબુત અને નિર્ણાયક સરકાર આપવાની ખાતરી આપવામાં આવી છે.
ભાજપના ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યુ છે કે કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ તમામ ખેડુતોને આપવામાં આવનાર છે. નાના અને સિમાન્ત ખેડુતોને ૬૦ વર્ષના ગાળા બાદ પેન્શનની સુવિધા આપવામાં આવનાર છે. રાષ્ટ્રીય વેપાર પંચની રચના કરવામાં આવશે. દેશના નાના તમામ દુકાનદારોને પણ ૬૦ વર્ષના ગાળા બાદ પેન્શનની સુવિધા આપવામાં આવશે. સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજવા પર ભાર મુકવામાં આવનાર છે. તમામ ખેડુતોને છ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવનાર છે. ખેડુતો પર આગામી પાંચ વર્ષના ગાળામાં ૨૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે.
ઘોષણાપત્રમાં જાહેરાત કરવામાં આવી છે કે ક્રેડિટ કાર્ડ પર જે એક લાખ રૂપિયા સુધી લોન મળે છે તેના પર પાંચ વર્ષમાં વ્યાજ શુન્ય ટકા રહેશે. યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવામાં આવશે.કિસાન કલ્યાણના સંદર્ભમાં ભાજપને લોકો પાસેથી મોટાપાયે સૂચનો મળ્યા હતા.જેમાં ખેડૂતો માટે માસિક પેન્શન યોજના શરૂ કરવાના સૂચન સામેલ હતા. પાર્ટીને ખેડૂતો માટે કૃષક ભવિષ્યનિધિ યોજના શરૂ કરવા માટે સૂચનો પણ મળ્યા હતા. ભાજપે પોતાના સંકલ્પપત્રમાં યુવા અને મહિલા સશÂક્તકરણ ઉપર ભાર મુક્યો છે. પાર્ટીને લોકો પાસેથી અનેક સૂચનો છેલ્લા કેટલાક સમયથી મળી રહ્યા હતા. લોકસભા ચૂંટણી માટે ભાજપે ગૃહમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં સંકલ્પપત્ર સમિતિની રચના કરી હતી. ત્યારબાદ દેશભરમાં આશરે ૭૫૦૦ સૂચન પેટીઓ તૈયાર કરાઈ હતી.
૩૦૦ રથ અને ઇલેક્ટ્રોનિક માધ્યમો મારફતે સૂચનો મળ્યા હતા. નાણામંત્રી અરુણ જેટલીએ ગઇકાલે જ સંકલ્પ પત્રના સંબંધમાં કેટલીક માહિતી આપી હતી. જેટલીએ સંકલ્પ પત્ર અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ભાજપે જે કામ કર્યું છે તેનો ઉલ્લેખ થીમ સોંગમાં કરવામાં આવ્યો છે. જેટલીએ કહ્યું હતું કે, ઘોષણાપત્રની પ્રથમ થીમ કામ કરનાર સરકાર રહેશે જ્યારે બીજી થીમ ઇમાનદાર સરકાર અને ત્રીજી થીમ મોટા નિર્ણય લેવા વાળી સરકાર રાખવામાં આવશે. જેટલીએ ઉમેર્યું હતું કે, અમારી સરકારની મોટી સફળતા મધ્યમ વર્ગ માટે રહેલી છે. પાંચ વર્ષના ગાળામાં એક પણ વખત ટેક્સ લાગૂ કરવામાં આવ્યા નથી પરંતુ એક પાર્ટીના લોકો કહે છે કે, અમે જે લોકોની પાસે કેટલાક ખાસ પ્રકારની સંપત્તિ છે તેમના પર બે ટકાના ટેક્સ લાગૂ કર્યા છે.