- એન.સી.ઇ.આર.ટી.નાં નવા અભ્યાસક્રમ અનુસાર ધોરણ ૧-૨માં નવેસરથી પ્રજ્ઞા સાહિત્ય તૈયાર થશે
- ધોરણ ૩ થી ૫ માં એન.સી.ઇ.આર.ટી.નાં અભ્યાસક્રમના અમલી બાદ તબક્કાવાર પ્રજ્ઞા અભિગમનો અમલ થશે
રાજ્ય સરકાર દ્વારા આવનારા વર્ષોમાં ધોરણ ૧ થી ૮માં એન.સી.ઇ.આર.ટી.ના અભ્યાસક્રમ મુજબ પાઠ્યપુસ્તકોનો અમલ કરવામાં આવશે. જેને ધ્યાને લઇને સૌ પ્રથમ ધોરણ ૧ અને ધોરણ ૨માં એન.સી.ઇ.આર.ટી.નાં અભ્યાસક્રમને દાખલ કરવામાં આવશે. અત્યારે હાલ ધોરણ ૧ અને ધોરણ ૨મા અભ્યાસક્રમને સરળ અને રસાળ બનાવવા શિક્ષક વિદ્યાર્થી વચ્ચે સેતુ રૂપ બનતા પ્રજ્ઞા અભિગમ વર્ષ ૨૦૧૦-૧૧થી અમલમાં છે. એન.સી.ઇ.આર.ટી.ના નવા અભ્યાસક્રમ મુજબ પ્રજ્ઞા અભિગમનાં સાહિત્યને તૈયાર કરી, શિક્ષકોને તાલીમબદ્ધ કરી, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં એન.સી.ઇ.આર.ટી.ના અભ્યાસક્રમ મુજબનાં પ્રજ્ઞા અભિગમનાં સાહિત્યનો તબક્કાવાર અમલ કરવામાં આવશે.
વર્ષ ૨૦૧૦-૨૦૧૧માં પ્રાયોગિક ધોરણે શરુ કરેલા ‘પ્રજ્ઞા’ પ્રોજેક્ટને સફળતા મળતા દર વર્ષે તેનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. જે અતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં રાજ્યની ૨૩૦૦૦ શાળાઓમાં ધોરણ ૧ અને ૨માં, ૨૨૦૦૦ શાળાઓમાં ધોરણ ૩ અને ૪માં અને ૧૩૦૦ શાળાઓમાં ધોરણ ૫ માં પ્રજ્ઞા અભિગમ મુજબનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવી રહ્યું છે. પ્રજ્ઞા અભિગમની સફળતાને ધ્યાને લઇ આખા રાજ્યમાં એકસૂત્રતા જળવાય તેમાટે આગામી વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ ૧-૨ માં પ્રજ્ઞા અભિગમને અમલમાં મૂકવામાં આવશે.
આવાનારા નવા સત્રથી ધોરણ ૧ થી ૮મા એન.સી.ઇ.આર.ટી. મુજબના અભ્યાસક્રમનાં પાઠ્યપુસ્તકો અમલમાં મુકવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર ધોરણ ૧ અને ૨ માં એન.સી.ઇ.આર.ટી.ના અભ્યાસક્રમ પ્રમાણેનું નવેસરથી પ્રજ્ઞા સાહિત્ય તૈયાર કર્યું છે. આ નવા તૈયાર થયેલા પ્રજ્ઞા સાહિત્યના અસરકારક અમલ માટે રાજ્યના ધોરણ ૧ અને ૨ નાં શિક્ષકોને તાલીમબધ્ધ કરી એક સાથે અમલમાં મુકવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર ધોરણ ૩ થી ૫માં એન.સી.ઇ.આર.ટી.નાં પાઠ્યપુસ્તકોનો અમલ કરાશે.