જસદણ : ગુજરાતમાં જસદણ વિધાનસભા પેટાચૂંટણી માટે આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. તમામ મતદાન કેન્દ્ર પર મતદારો તેમના મતાધિકારન ઉપયોગ કરવા માટે ઉત્સુક દેખાયા હતા.જસદણમાં સામાન્ય રીતે કોંગ્રેસ પાર્ટીનુ પ્રભુત્વ રહ્યુ છે. આ ઉપરાંત હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં જીત મેળવી લીધા બાદ કોંગ્રેસના કાર્યકરો ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. જસદણમાં કુલ આઠ ઉમેદવારોના ભાવિ આજે મતદાન શરૂ થતાની સાથે જ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. કુલ ૨૬૨ મતદાન કેન્દ્રો પર મતદાન કરવામાં આવી રહ્યુ છે. મુખ્ય રીતે ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે સીધી રીતે સ્પર્ધા છે. મતદાન શરૂ થતાની સાથે જ તેમના ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આ વખતે ૧૬૬૨ ઉમેદવારો પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તમામ મતદાન કેન્દ્રો પર ૧૧૪૦ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દરેક મતદાન કેન્દ્ર પર એક પ્રિસાઇડિંગ ઓફિસર એક ફર્સ્ટ પોલિંગ ઓફિસર, એક પોલિંગ ઓફિસર, એક મહિલા પોલિંગ ઓફિસર અને એક પ્યુન સહિત પાંચ કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી છે.
કોઇ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવ્યા છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા માટે પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળોની છ કંપનીઓ તૈનાત કરવામાં આવી ચુકી છે. હોમગાર્ડ, પોલીસની જુદી જુદી ટીમો પણ તૈનાત કરવામાં આવી ચુકી છે. જસદણમાં મતદાન માટે ૨૬૨ બુથ બનાવવામાં આવ્યા છે. જ્યાં સવારે મતદાનની શરૂઆત થઇ હતી. આ તમામ બુથ પર સીસીટીવી અને વિડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. જસદણમાં ભાજપ અને કોગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા પંચ દ્વારા તમામ પગલા લેવાયા છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદથી સતત ઉત્સુકતા રહી હતી. આચારસંહિતા ભંગની પણ ફરિયાદો થઇ હતી. કોંગ્રેસ તરફથી અનેક ટોચના નેતાઓએ પ્રચારમાં ઉતરીને સ્થિતિ સાનુકુળ બનાવવાના પ્રયાસ કર્યા હતા. બીજી બાજુ ભાજપે પણ તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. ખેડૂતોને ખુશ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. હાલમાં યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થતાં કોંગ્રેસના કાર્યકરો ભારે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. જસદણમાં સૌથી વધુ ૩૫ ટકા કોળી સમુદાયના લોકો છે.
અહીં કોળી સમુદાયની ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. બીજી બાજુ લેઉવા પાટીદારોની ટકાવારી ૨૦ ટકાની આસપાસ છે. આ ઉપરાંત અન્ય જાતિઓ પણ છે પરંતુ સૌથી મોટી ભૂમિકા કોળી સમુદાયની છે. ભાજપના કુંવરજી બાવળિયાનું અહીં પ્રભુત્વ રહેલું છે. બાવળિયાએ પાંચ વખત અહીં જીત મેળવી છે. આ વખતે પણ તેઓ મેદાનમાં છે. તેમની સામે કોંગ્રેસ તરફથી અવસર નાકિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મતદાન થયા બાદ ૨૩મીએ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે પણ આ ચૂંટણી ઉપયોગી બની છે. ભાજપે એક સમયના કોંગ્રેસી નેતા કુંવરજી બાવળિયાને પક્ષ પલટો કરાવીને કેબિનેટ મંત્રી પદ સાથે ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. કુલ ૨૩૨૧૧૬ મતદારો પૈકીના મટા ભાગના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કોળી અને પાટીદારો સૌથી વધારે છે. સવારે આઠ વાગે મતદાનની શરૂઆત થયા બાદ સાંજે પાંચ વાગે સુધી મતદાન થનાર છે. ઉંચા મતદાનની ખાતરી કરવા માટે તંત્ર સજ્જ છે. મતદાન બાદ ઇવીએમને જસદણના મોડલ સ્કુલમાં મુકવામાં આવનાર છે. જ્યાં સાત સ્ટ્રોગ રૂમ બનાવી દેવામાં આવ્યા છે. જે નવા મતદારો ઉમેરાયા છે તેમાં ૧૧૬૨ યુવકો અને ૪૯૯ યુવતિઓ સામેલ છે.