કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી વિપક્ષી દળોને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. રોઝા ઇફ્તારના બહાને રાહુલ ગાંધીએ પહેલી વાર બધા જ વિપક્ષી નેતાઓને આમંત્રણ આપ્યુ છે. પહેલા ઇફ્તારનું નિમંત્રણ સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવતુ હતું. આવામાં જોવાનું એ રહેશે કે રાહુલ ગાંધીના નિમંત્રણ પર બધા જ લોકો આવશે ખરા ?
કોંગ્રેસ બે વર્ષના બ્રેક બાદ ઇફ્તાર પાર્ટીનું આયોજન કરી રહી છે. આના પહેલા કોંગ્રેસ અધ્યક્ષા રહી ચૂકેલી સોનિયા ગાંધીએ 2015માં ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યુ હતુ. કોંગ્રેસ આ ઇફ્તાર પાર્ટીના બહાને બધા જ વિપક્ષી દળોને એક કરવાનુ કામ કરશે. રામવિલાસ પાસવાન જેવા એન ડી એના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યુ નથી. કોંગ્રેસ તેવા નેતાઓને પણ આમંત્રણ આપશે જે પહેલા કોંગ્રેસમાં જોડાયેલા હતા.
2019ની ચૂંટણી માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. 2019ની ચૂંટણીમાં ભાજપને મ્હાત આપવા માટે કોંગ્રેસ નવા નવા પૈતરા કરી રહ્યું છે. બધી જ વિપક્ષી પાર્ટીઓને ઇફ્તારનું આમંત્રણ આપીને રાહુલ ગાંધી મોદી સરકારને વિખેરવા માટેનું આયોજન કરશે. હવે જોવું તે રહેશે કે રાહુલગાંધીના આમંત્રણ પર કેટલા લોકો કોંગ્રેસની ઇફ્તાર પાર્ટીમાં આવે છે.