પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા ટીમ યુગાન્ડાને હરાવીને રચ્યો ઇતિહાસ

Rudra
2 Min Read

અમદાવાદ: ભારતીય મહિલા ટીમે શનિવાર, 31 ઓક્ટોબરના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં યજમાન ટીમે યુગાન્ડા સામે 35-15થી શાનદાર જીત મેળવી હતી.
સાક્ષીની જોરદાર રમત

સાક્ષીએ ભારત માટે પોઇન્ટ મેળવવાની ગતિ જાળવી રાખી હતી અને નવ પોઈન્ટ સાથે તે મોખરે રહી હતી, જેમાં સાત ટચ અને બે બોનસ પોઈન્ટ સામેલ હતા. અનુ સેને છ પોઈન્ટનું યોગદાન આપ્યું હતું, જ્યારે કેપ્ટન નિધિ શર્માએ પાંચ પોઈન્ટ મેળવ્યા હતા. રિતુ મિથરવાલ અને સુમન સાહુએ ડિફેન્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બંનેએ ચાર-ચાર ટેકલ પોઇન્ટ મેળવ્યા હતા. નાકાયોંગો શિરતે 11 પોઈન્ટ બનાવ્યા હતા અને તે હારનાર ટીમની ટોપ સ્કોરર રહી હતી.

ભારત સામે યુગાન્ડા લાચાર

યુગાન્ડાનું મજબૂત ડિફેન્સ તેમની સેમિફાઇનલની જીતમાં મહત્ત્વપૂર્ણ રહ્યું હતું, પરંતુ ભારતીય રેડર્સ સામે આ યુનિટ લાચાર જોવા મળ્યું હતું.
આફ્રિકન ટીમ ફાઇનલ મેચમાં દબાણ હેઠળ સંઘર્ષ કરતી જોવા મળી, જેના કારણે પ્રથમ હાફમાં સાડા ત્રણ મિનિટ બાકી હતી ત્યારે ભારતને તેમને ઓલ-આઉટ કરવાની તક મળી. હાફ-ટાઇમમાં ભારત 22-7ની લીડ સાથે મજબૂત સ્થિતિમાં હતું. ભારતીય રેડર્સે મેચ પર દબદબો જાળવી રાખ્યો હતો, જ્યારે યુગાન્ડા પ્રથમ હાફમાં એક પણ ટેકલ પોઇન્ટ મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું.

બીજા હાફમાં પણ ભારતનો દબદબો

બીજા હાફમાં પણ યજમાન ટીમે પોતાનો દબદબો ચાલુ રાખ્યો હતો અને વિરોધી ટીમની વાપસીની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. ભારતીય ટીમ અનુક્રમે રેડ અને ટેકલ પોઈન્ટમાં 20-14 અને 10-1થી આગળ હતી. તેમણે બે ઓલ-આઉટ માટે ચાર વધારાના પોઈન્ટ પણ મેળવ્યા હતા.

દર્શકોનો આભાર માનતી નિધિ શર્મા

નિધિ શર્માની આગેવાનીવાળી ટીમને તેમના ચેમ્પિયનશિપ વિજેતા પ્રદર્શન બાદ સ્થાનિક દર્શકો તરફથી ભવ્ય આવકાર મળ્યો હતો. મેચ પછી, ભારતીય કેપ્ટને ટીમના પ્રદર્શન અંગે ખુશી વ્યક્ત કરી હતી અને ચાહકોના અતૂટ સમર્થન માટે તેમનો આભાર માન્યો હતો.
એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા (AKFI) દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટમાં કુલ 10 મહિલા ટીમોએ ભાગ લીધો હતો. ગ્રુપ-સ્ટેજમાં અજેય રહ્યા બાદ, અને ત્યારબાદ નોકઆઉટમાં શ્રીલંકા અને યુગાન્ડા સામે શાનદાર જીત મેળવીને ભારતે આ પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Share This Article