અમદાવાદ: અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર ‘વિશ્વ ઉમિયાધામ’નું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સંગઠન દ્વારા એક વિશાળ રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત-અમેરિકા સહિત વિશ્વના 7 દેશોમાં 151 સ્થળોએ યોજાયેલા આ અભિયાનમાં 25,000થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ અભિયાન દ્વારા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
આ રક્તદાન અભિયાન દ્વારા ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી તથા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર પટેલે દેશનાં 562 રજવાડાંઓને એકત્રિત કરીને અખંડ ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના આ રાષ્ટ્રનિર્માણના કાર્ય અને સમર્પણને યાદ કરીને વિશ્વ ઉમિયાધામ દ્વારા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું.
80 પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓની બેઠક
વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદાર સમાજની 80 જેટલી સંસ્થાઓ અને સમાજના પ્રમુખોની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં સમાજની એકતા, સંગઠન અને સામાજિક વિકાસને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સમાજની વિવિધ સંસ્થાઓને સાથે રાખીને સામૂહિક વિકાસનાં કાર્યોને વેગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
₹700 કરોડના ખર્ચે 500 બેડની હોસ્પિટલ બનશે
વિશ્વ ઉમિયાધામ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક વિકાસનું કેન્દ્ર બને તે દિશામાં પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિર પરિસરમાં આશરે ₹700 કરોડના ખર્ચે 500 બેડની આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. આ હોસ્પિટલના માધ્યમથી લોકોને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ છે.
2,000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને સ્કિલ યુનિવર્સિટી
શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ ઉમિયાધામ ખાતે 2,000 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી હોસ્ટેલનું પણ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત યુવાનોને રોજગારલક્ષી શિક્ષણ અને કૌશલ્ય તાલીમ મળી રહે તે હેતુથી સ્કિલ યુનિવર્સિટી બનાવવાનું આયોજન છે.
આમ, વિશ્વ ઉમિયાધામના માધ્યમથી ધાર્મિક આસ્થા સાથે આરોગ્ય, શિક્ષણ અને સમાજસેવાને જોડીને એક વિશાળ સામાજિક વિકાસ કેન્દ્ર ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

