કર્ણાવતી યુનિવર્સિટીનો સાતમો પદવીદાન સમારોહ યોજાયો, 1,380 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

Kamlesh
1 Min Read

Gandhinagar : કર્ણાવતી યુનિવર્સિટી ખાતે શનિવારે સાતમા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કુલ 1,380 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણી અને જાણીતા પત્રકાર નવિકા કુમારને માનદ ડોક્ટર ઑફ લિટરેચર (ડી.લિટ.)ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમારોહમાં કુલ 785 વિદ્યાર્થીઓએ રૂબરૂ હાજર રહી ડિગ્રી મેળવી હતી. જ્યારે વિવિધ અભ્યાસક્રમોના કુલ 29 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પરમેશ શિવમણીએ વિદ્યાર્થીઓને સંબોધતાં સતત શીખતા રહેવા, પ્રામાણિકતા જાળવવા અને બદલાતા સમય સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી. તેમણે કર્ણાવતી યુનિવર્સિટી, કોસ્ટ ગાર્ડ અને કોસ્ટ ગાર્ડ વેલ્ફેર એન્ડ વેલનેસ એસોસિએશન વચ્ચેના સહયોગની જાહેરાત પણ કરી હતી. આ સહયોગ હેઠળ ફરજ બજાવતા અને નિવૃત્ત કોસ્ટ ગાર્ડ કર્મચારીઓનાં સંતાનોને શિષ્યવૃત્તિ અને પ્રવેશ માટે સહાય આપવામાં આવશે.

યુનિવર્સિટીના પ્રમુખ રીતેશ હાડાએ વિદ્યાર્થીઓને સતત કૌશલ્ય વિકસાવવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી.

જ્યારે પત્રકાર નવિકા કુમારે વિદ્યાર્થીઓને ધીરજ, શિસ્ત અને સતત મહેનતના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સફળતા માટે સતત શીખતા રહેવા અને નવીન વિચારો અપનાવવા પર ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન, મેનેજમેન્ટ, ટેક્નોલોજી, કાયદા, ડેન્ટિસ્ટ્રી અને માસ કમ્યુનિકેશન સહિતના વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.

Share This Article