Bhavnagar | બોર તળાવ પર સૂર્યકિરણ ટીમનો ભવ્ય એર શો, આકાશમાં તિરંગાના રંગોથી સર્જાયો અદભુત નજારો

Kamlesh
2 Min Read

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા રવિવારે ભાવનગરના બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે ભવ્ય એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં પ્રથમ વખત યોજાયેલા આ એર શોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

એર શો દરમિયાન સૂર્યકિરણ ટીમના નવ લાલ અને સફેદ રંગના હોક MK-132 વિમાનોએ આકાશમાં અદભુત કરતબો રજૂ કર્યા હતા. વિમાનોએ ક્લોઝ ફોર્મેશન, લૂપ્સ, રોલ્સ અને અન્ય રોમાંચક એરોબેટિક પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કેસરી, સફેદ અને લીલા રંગના ધુમાડા દ્વારા આકાશમાં તિરંગાની સુંદર છબી સર્જવામાં આવી હતી. અંદાજે 30થી 40 મિનિટ સુધી ચાલેલા આ પ્રદર્શને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે સૂર્યકિરણ એરોબેટિક ટીમની સ્થાપના વર્ષ 1996માં કરવામાં આવી હતી. આ ટીમ એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ફોર્મેશન ટીમ તરીકે ઓળખાય છે. હોક MK-132 વિમાનો દ્વારા અત્યાર સુધીમાં ભારત અને વિદેશમાં 800થી વધુ એર શો કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ભારતીય વાયુસેના દ્વારા મોટિવેશનલ સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનોને વાયુસેનામાં કારકિર્દીની તકો, ભરતી પ્રક્રિયા અને સૈન્ય જીવન વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ એર સિમ્યુલેટર દ્વારા લોકોને વિમાન ઉડાડવાનો અનુભવ પણ કરાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એરફોર્સ બેન્ડે દેશભક્તિની ધૂન રજૂ કરી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, એર વાઇસ માર્શલ જી.એસ. ભુલ્લર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકો માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો હતો. આ ભવ્ય એર શો દ્વારા ભારતીય વાયુસેનાએ પોતાની શક્તિ, શિસ્ત અને કૌશલ્યની ઝલક રજૂ કરવાની સાથે યુવાનોને વાયુસેનામાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા.

Share This Article