એવું વિચારવું મુશ્કેલ લાગે છે કે જો માણસો ન હોય તો ધરતી પર જીવન કેવી રીતે ચાલશે. ભલે આપણી પ્રજાતિ આ ગ્રહ પર પ્રમાણમાં થોડા સમયથી છે, પરંતુ આપણે ધરતીને અનેક રીતે બદલી નાખી છે. જમીનથી લઈને સમુદ્ર સુધી લગભગ દરેક જગ્યાએ માનવજાતની છાપ જોવા મળે છે. તેમ છતાં, ધરતીનો ઇતિહાસ આપણને જણાવે છે કે કોઈપણ પ્રજાતિ હંમેશા અસ્તિત્વમાં રહેતી નથી. માણસો વિનાના ભવિષ્ય વિશે વિચારવું થોડું ગંભીર લાગી શકે છે, પરંતુ સાથે જ એ જાણવાની ઉત્સુકતા પણ જગાવે છે કે જ્યારે આપણે નહીં હોઈએ ત્યારે ધરતી પર શું થશે. હજારો વર્ષોથી માણસો ધરતીના પર્યાવરણમાં પરિવર્તન લાવવાનું મુખ્ય કારણ રહ્યા છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ટિમ કૂલ્સને ઘણા વર્ષો સુધી જીવવિજ્ઞાન અને ઉત્ક્રાંતિ (Evolution)નો અભ્યાસ કર્યો છે. તેમનું માનવું છે કે જો માણસો લુપ્ત થઈ જાય, તો નવી અને અદ્ભુત પ્રજાતિઓ માટે રસ્તો ખુલશે, જે ધરતી પર આપણી જગ્યા લઈ શકે છે. તેમણે પોતાની પુસ્તક ‘ધ યુનિવર્સલ હિસ્ટ્રી ઓફ અસ’માં જીવનના સમગ્ર ઇતિહાસ વિશે ચર્ચા કરી છે અને ભવિષ્યમાં શું થઈ શકે છે તેની આગાહી કરવાનો પ્રયાસ કર્યો છે.
કૂલ્સનના જણાવ્યા અનુસાર, જોખમો અને પરિવર્તનો છતાં જીવન સતત આગળ વધતું રહે છે. જોકે, તેઓ વાચકોને યાદ અપાવે છે કે કોઈપણ પ્રજાતિ હંમેશા માટે અસ્તિત્વમાં રહેતી નથી. તેમનું કહેવું છે કે માણસો સહિત તમામ પ્રજાતિઓનો એક દિવસ અંત અથવા લુપ્ત થવાનું નિશ્ચિત છે. જોકે, આશા રાખી શકાય કે માનવજાતનો અંત હજુ ભવિષ્યમાં ઘણો દૂર છે. આ વાત સાંભળવામાં થોડી વિચિત્ર લાગી શકે છે, પરંતુ દરેક જીવ, ભલે તે કેટલો પણ સફળ હોય, એક દિવસ અસ્તિત્વમાંથી સમાપ્ત થઈ શકે છે.
કૂલ્સનનો આ વિચાર વર્ષોની રિસર્ચમાંથી આવ્યો છે, જેમાં તેમણે પ્રજાતિઓ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે, ટકી રહે છે અને ક્યારેક લુપ્ત થઈ જાય છે તેનો અભ્યાસ કર્યો છે. તેમણે વિચાર્યું કે જો માણસો અને આપણા નજીકના સંબંધીઓ એટલે કે મોટા વાનરો પણ લુપ્ત થઈ જાય, તો તેમની જગ્યા કઈ પ્રજાતિઓ લઈ શકે? તેમના મતે, એકવાર માણસોને ધરતી પરથી દૂર કરવામાં આવે તો સમય જતાં ધરતીનું પર્યાવરણ ફરીથી સંતુલિત થઈ શકે છે.
માણસો પછી ધરતી પર કઈ પ્રજાતિનું પ્રભુત્વ રહેશે તે કોઈ ચોક્કસપણે જાણતું નથી. કૂલ્સનનું માનવું છે કે બુદ્ધિમત્તા અને જટિલતાના નવા સ્વરૂપો અચાનક અને અણધાર્યા રીતે વિકસિત થઈ શકે છે. કેટલાક લોકો માને છે કે પ્રાઈમેટ્સ એટલે કે વાંદરા અને લંગૂર જેવા જીવો માણસોની જગ્યા લેવાની સૌથી વધુ સંભાવના ધરાવે છે. તેઓ મજબૂત સામાજિક સંબંધો પર ખૂબ નિર્ભર રહે છે. જોકે, કૂલ્સનને આ વાત અંગે શંકા છે.
કૂલ્સન એક એવા જીવનું નામ લે છે, જેને જાણીને ઘણા લોકો ચોંકી શકે છે અને તે છે ઓક્ટોપસ. તેઓ ઓક્ટોપસની બુદ્ધિશાળી ક્ષમતા અને બદલાતા વાતાવરણ પ્રમાણે પોતાને ઢાળવાની શક્તિ તરફ ઈશારો કરે છે. તેમના જણાવ્યા અનુસાર, ઓક્ટોપસમાં જટિલ સમસ્યાઓ ઉકેલવાની, રંગ બદલીને એકબીજા સાથે સંવાદ કરવાની અને વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવાની ક્ષમતા છે. ઓક્ટોપસ પહેલેથી જ પોતાની સર્જનાત્મકતા અને કેટલીક અજીબોગરીબ તથા રમૂજી હરકતો માટે જાણીતા છે. તેથી માણસો બાદ ધરતી પર બુદ્ધિશાળી જીવનના નવા સ્વરૂપ તરીકે ઓક્ટોપસની સંભાવના અંગેનો આ વિચાર ખરેખર રસપ્રદ છે.
નોંધ: આ લેખમાં રજૂ કરવામાં આવેલા વિચારો વૈજ્ઞાનિક ચર્ચા અને સંશોધન આધારિત અનુમાન છે. માણસો લુપ્ત થયા બાદ ચોક્કસ કઈ પ્રજાતિ ધરતી પર પ્રભુત્વ મેળવશે તે અંગે કોઈ નિશ્ચિત આગાહી કરી શકાય નહીં.

