ગુરુ અને શિષ્યના પવિત્ર પ્રેમને ઉજાગર કરતો એક તહેવાર ‘ગુરુપુર્ણિમા’
વર્ષના અગિયાર મહીનાને છોડીને કેમ અષાઢ મહિનામાં જ આ તહેવાર ઉજવાય છે.!?
મિત્રો, આજે ગુરુપુર્ણિમા છે. આપણા દેશમાં ઘણા ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવવામાં આવે છે, પણ આખા વર્ષમાં આવતો ગુરુપુર્ણિમાનો તહેવાર એ એક આદ્યાત્મિક તહેવાર છે. માટે મારી ઈચ્છા એવી છે કે આપણે પણ આગામી બે-ત્રણ યુગપત્રીમાં ગુરુને કેન્દ્રમા રાખીને આગળ વધીશું.
ગુરુપુર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર પ્રેમને ઉજાગર કરતો એક તહેવાર. આમ તો અષાઢ મહિનાની પુનમના દિવસે આ તહેવાર ઉજવવામા આવે છે.
આપણને માનવ સહજ એમ સવાલ થાય કે વર્ષના અગિયાર મહીનાને છોડીને કેમ અષાઢ મહિનામાં જ આ તહેવાર ઉજવાય છે.!? આખા મહિનામાં સુદ અને વદના બે પખવાડિયામાં એકમથી માંડીને પુનમ સુધીની તિથિઓ હોય છે એમાંથી કેમ પુનમને જ આ તહેવારની ઉજવણી માટે પસંદ કરવામા આવી..!?
મિત્રો, દરેક ઘટના થવા પાછળનું કોઈ કારણ હોય છે.કારણ વગર કોઈ કાર્ય થઈ શકતું નથી. એમ આ બધી તિથિ અને મહિના પસંદ કરવા પાછળ પણ અમુક આધ્યાત્મિક તથ્ય તથા રહસ્યો હોય છે. તો સૌ પ્રથમ આપણે ગુરુ અને ગુરુપુર્ણિમા વિશે જાણીએ.
મિત્રો, જેઠ મહિનાના તાપથી ત્રાસીને પૃથ્વી પરના બધા સજીવો જ્યારે ત્રાહિ ત્રાહિ પોકારી ઉઠે, અસહ્ય ગરમીથી જ્યારે લોકો અને પશુ-પંખીઓ ત્રાસીને આભ સામે મીટ માંડીને જ્યારે વરસાદ વરસવાની રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે અષાઢ મહિનામાં આભમાં એકાદ કાળી ડિબાંગ વાદળી આવીને ઝરમર ઝરમર વરસે ને ત્યારે લોકોને જાણે કે નવજીવન મળ્યું હોય એમ લાગે..! આમ જ્યારે દુનિયાના દુઃખીથી ત્રાસીને, દુન્યવી માયાથી ત્રાહિ પોકારીને જ્યારે માણસને પરમ આનંદ પામવાની ઈચ્છા થાય, જ્યારે પરમ સત્ય ઓળખવાની ઈચ્છા થાય ત્યારે એના જીવનમાં ગુરુની જરૂર પડે અને ત્યારે ગુરુ આવીને એની ઉપર કૃપા વરસાવે છે અને એના જીવનને નવો વળાંક આપે છે. આમ મૂળ અષાઢનો મહિનો જ વરસવાનો મહિનો છે, તરસવાનો નહીં.અષાઢના મહિનામાં માણસની તરસ છીપાય છે. પછી એ તરસ પાણીની હોય કે જ્ઞાનની.માટે ગુરુએ વરસાવેલી કૃપા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અષાઢ મહિનાની પસંદગી કરવામા આવી છે.
હવે આપણને એમ થાય કે તિથિઓમાં કેમ પુનમ જ પસંદ કરવામાં આવી..!? બીજી તિથિઓ કેમ નહીં..!? કારણકે આખા મહિનામાં પુનમ જ એક એવી તિથિ છે જેમાં ચંદ્ર એની પૂર્ણ કળાએ ખીલ્યો હોય છે, બાકી અન્ય તિથિઓ વખતે ચંદ્ર અપૂર્ણ હોય છે. આમ પુનમ એ પૂર્ણતાનો પર્યાય છે. એમ ગુરુ પણ જ્ઞાનથી પુર્ણ હોય છે, વૈરાગ્યથી પુર્ણ હોય છે, કર્મથી પુર્ણ હોય છે, ભક્તિથી પુર્ણ હોય છે અને ગુરુ આપણને પણ એ પૂર્ણતા તરફ લઈ જવાના હોય છે માટે બીજી તિથિઓને છોડીને ગુરુ પ્રત્યેનું ઋણ ચુકવવા માટે પુનમની તિથિ પસંદ કરવામાં આવી છે.
હવે આપણને એમ સવાલ થાય કે આ ગુરુ એટલે કોણ.!? ગુરુ એટલે શું..!? જીવનમાં શું ગુરુ હોવા જ જોઈએ.!? ગુરુ ના હોય તો ના ચાલે…!?
આ બધા સવાલોનો માત્ર એક જ જવાબ આપીશ કે જીવનમાં આમ જુઓ તો ગુરુ એટલે લગભગ કાંઈ નહીં અને આમ જુઓ તો જીવનમાં ગુરુ એટલે લગભગ બધું જ.
શિષ્ય માટે ગુરુ ઓક્સિજન જેટલા જ મહત્વના છે. ગુરુ શબ્દનો મહિમા ગાવો, લખવો અને કહેવો એ તો ગાગરમાં સાગર સમાવવા જેવું છે. ગુરુ એટલે કોઈ વ્યક્તિ કે પદ નથી.
સ્કંદપુરાણમાં ગુરુગીતામાં ગુરુની વ્યાખ્યા આપતો એક શ્લોક છે કે,
गुकारस्त्वन्धकारः स्याद् रुकारस्तेत उच्यते।
अज्ञान ग्रासकं ब्रह्म गुरुरेव न संशयः॥
આમ,ગુરુ એટલે તો ઝળહળતી પ્રકાશ જ્યોતિ જે આપણને અજ્ઞાનના અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુ એ શિષ્યના જીવનને અજવાળવાનું કામ કરે છે. ગુરુ આપણા આધી દૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક કષ્ટને દૂર કરવાનું કામ કરે છે. જેવી રીતે આપણે હોડી વગર સમુદ્રને પારના કરી શકીએ એવી જ રીતે આ સંસારસાગરને પાર કરવા માટે ગુરુ એ હોડી સમાન છે.
આપણને એમ થાય કે ગુરુનું કામ શુ છે !? તો ગુરુ આપણને સારાસારનો વિવેક શીખવે છે. ગુરુ આપણને સાચી દિશામાં વિચારતા શીખવે છે. આપણા એક શ્લોકમાં ગુરુના કામ વિશે કહ્યું છે કે,
॥गुरु ब्रम्हा गुरु विष्णु गुरु देव महेश्वर,
गुरु साक्षात् परब्रह्म, तैस्मय: श्री गुरुवे नमः॥
ઉપરના શ્લોકમા કહ્યું છે કે,
ગુરુ શિષ્યમાં સદગુણો વિકસાવે છે માટે ગુરુ એ બ્રહ્મા છે.
ગુરુ શિષ્યમાં રહેલા સદગુણોનું પાલન કરે છે માટે ગુરુ એ વિષ્ણુ છે.
ગુરુ એ શિષ્યમાં રહેલા દુર્ગુણોનો નાશ કરે છે માટે ગુરુ એ શિવ છે.
આમ ગુરુ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિપુટી છે. ગુરુ એ ત્રિભેટો છે જ્યાં આ ત્રણેય તત્વ ભેગા થાય છે અને આપણને પરમતત્વ સુધી પહોંચાડે છે. આમ જીવનમાં ગુરુ તો હોવા જ જોઈએ. ગુરુ એ આપણી બધી સમસ્યાનું ઓલટાઇમ સોલ્યુશન છે.
ગુરુની અન્ય વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે જે વ્યક્તિ આપણી ખામીને ખૂબીમાં ફેરવી જાણે એ આપણા ગુરુ.ગુરુ આપણને સાચા ટ્રેક પર લઈ આવે છે.
ગુરુથી વિશેષ કોઈ તત્વ નથી, ગુરુસેવાથી વિશેષ કોઈ તપ નથી અને ગુરુ કૃપાથી વિશેષ કોઈ પ્રસાદ નથી.
તો આવા ગુરુ માટે તો મારા મનમાં બસ એક જ ગીત આવે કે,
बड़े अच्छे लगते है,ये धरती,ये नदिया,ये रैना और…
तुम.. हा..गुरुदेव तुम…
હા, આગામી યુગપત્રીમાં આપણે માણીશું આનંદ બક્ષીની કલમે લખાયેલું, રાહુલદેવ બર્મન દ્વારા કંપોઝ કરેલું, અમિતકુમાર દ્વારા ગવાયેલું અને ફિલ્મ બાલિકાવધુના આ ફેમસ ગીતને….જેના શબ્દો છે….
बड़े अच्छे लगते है,ये धरती,ये नदिया,ये रैना और तुम…
તો મળીયે ફરી પાછા આવતા શુક્રવારે…?
કોલમિસ્ટ :- યુગ અગ્રવાત