-: વિશ્વ વન્ય જીવ દિવસની થીમ :-
‘‘મોટા શિકારી વન્ય જીવો ભયના ઓથાર હેઠળ’’
- દેશના કુલ વન્ય પ્રાણી રક્ષિત વિસ્તાર ૪ ટકાથી બે ગણો વિસ્તાર ૮-૮ ટકા વન્યપ્રાણી રક્ષિત વિસ્તાર ગુજરાત ધરાવે છે
- દુર્લભ પ્રાણી સંરક્ષણ કાર્યક્રમ અંર્તગત રાજ્યમાં ૧૭,૩૩૦ ચો. કિ.મી. વિસ્તારમાં ૪ રાષ્ટ્રિય ઊદ્યાનો-ર૩ અભયારણ્યો-૧ કન્ઝર્વેશન રિઝર્વ ગુજરાતમાં છે
- પ૧૩ પ્રજાતિના પક્ષીઓ-૧૧૪ જાતિના સરીસૃપો-૭ હજારથી વધુ કિટક અને મૃદુકાય જીવોના જતન-સંવર્ધન-સંરક્ષણ માટે વન વિભાગ સતત કર્તવ્યરત
વિશ્વમાં લુપ્ત થવાને આરે ઉભેલા વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની જાગૃતિ કેળવવા પ્રતિવર્ષ ૩ માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે વિશ્વ આખું મનાવે છે.
સંયુકત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં ર૦ ડિસેમ્બર ર૦૧૩ના રોજ ઠરાવ કરીને વિશ્વમાં આ ઉજવણી કરવાનું શરૂ થયું છે. ૨૦૧૮ના આ વર્ષના વિશ્વ વન્યજીવ દિવસની થીમ “Big Cats : Predators under threat” એટલે કે મોટા શિકારી વન્યજીવો ભયના ઓથાર હેઠળની રાખવામાં આવી છે.
પૃથ્વી ઉપરના અદભૂત એવા વન્યજીવો ચિત્તા, કલાઉડેડ લેપર્ડ, દિપડો, સિંહ, વાઘ વગેરે આજે માનવ-વન્યજીવ સંઘર્ષ અથવા ગ્લોબલ વોર્મિંગ જેવી પ્રવૃતિઓથી જીવન સંઘર્ષના આરે ઉભેલા છે. વિનાશના આરે ઉભેલા આ વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા અને પડકારોનો ઉકેલ લાવવા આંતરરાષ્ટ્રિય, રાષ્ટ્રિય તેમજ વ્યકિતગત ધોરણે સઘન પ્રયાસો માટેનું વિચાર મંથન સાસણગીરમાં યોજાનારી આ ઉજવણીમાં થવાનું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આગામી શનિવાર, ૩ માર્ચે સવારે સાસણગીરમાં વિશ્વ વન્યજીવ દિવસની રાષ્ટ્રકક્ષાની ઉજવણીનો કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવશે.
રાજ્યના વનમંત્રી ગણપતસિંહ વસાવા, વન રાજ્યમંત્રી રમણભાઇ પાટકર અને વિવિધ રાજ્યોના વરિષ્ઠ વન અધિકારીઓ, વાઇલ્ડ લાઇફ વોર્ડન્સ, એન.જી.ઓ. તેમજ માલધારીઓની ઉપસ્થિતીમાં આ વિશ્વ વન્યજીવ દિવસ ઉજવાશે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, સમગ્ર દેશમાં કુલ ભૌગોલિક વિસ્તારનો ૪ ટકા વિસ્તાર વન્ય પ્રાણી રક્ષિત વિસ્તાર તરીકે જાહેર થયેલો છે તેની સાપેક્ષમાં ગુજરાતમાં દેશ કરતા બમણો એટલે કે ૮.૮ ટકા વિસ્તાર વન્યપ્રાણી રક્ષિત વિસ્તાર છે. રાજ્યમાં દુર્લભ પ્રાણીઓના સંરક્ષણ કાર્યક્રમ અન્વયે ૪ રાષ્ટ્રિય ઊદ્યાનો, ર૩ અભયારણ્યો અને એક કન્ઝર્વેશન રિઝર્વ સહિત ૧૭,૩૩૦ ચો.કિ.મી. વિસ્તાર વન્યપ્રાણી રક્ષિત વિસ્તાર છે. રાજ્યમાં પ૧૩ પ્રજાતિઓના પક્ષીઓ, ૧૧૪ પ્રજાતિઓના સરીસૃપો અને ઉભયજીવી જાતો, ૧૧૧ પ્રજાતિના સસ્તન પ્રાણીઓ અને ૭૦૦૦થી વધારે પ્રજાતિઓના કીટકો અને મૃદુકાય જીવો જોવા મળી રહ્યા છે.
રાજ્ય સરકારના સતત અને સઘન પ્રયત્નો અને ‘‘અહિંસા પરમો ધર્મ’’ના સંસ્કાર ભાવ સાથે જનતા જનાર્દનના સહયોગથી રાજ્યમાં સિંહ, દિપડા, રીંછ, ઘુડખર, કાળીયાર, મગર જેવા વન્યજીવોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે.
આ સૌ જીવોના જતન-સંવર્ધન અને સંરક્ષણ સાથે મોટા શિકારી વન્યજીવોના સંવર્ધન સંરક્ષણ માટેના ઉપાયો તેમજ જાગૃતિ કેળવણી આગામી વિશ્વ વન્ય જીવ દિવસની ઉજવણીમાં કેન્દ્રસ્થાને રહેશે.