“છાજલી પર પુસ્તકો અ થી જ્ઞ સુધીના…
દુનિયાના નકશા જેવો,
મારો અભ્યાસ ખંડ લટકે છે વિશ્વમાં”
– રમેશ પારેખ
આજે વિશ્વ પુસ્તક દિવસ છે.
જીવનમાં પુસ્તકો ખૂબ જ મહત્વું સ્થાન ધરાવે છે. પુસ્તકોના વાંચન થકી આપણે વિવિધ સંસ્કૃતિઓનો પરિચય મેળવી શકીયે છે, કંઇક નવું શીખતા રહીયે છીએ, લેખકની પરિકલ્પનાઓને જીવંત કરીયે છીએ, હંમેશા મેળવતા જ રહીયે છીએ.
એક બંજર જિંદગીના આંગણે લીલુડા તોરણ ત્યારેજ બંધાય છે, જયારે આપણે પુસ્તકોના સહવાસમાં આવીએ છીએ. કાકાસાહેબ કાલેકરથી લઇને વિનોદ ભટ્ટ સુધીના બધા લેખકોના પુસ્તકો આમ જોઈએ તો ઈ-મીડિયા એટલે કે ઇ-પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, આજે આંગળીના એક ટેરવે અસંખ્ય પાનાઓ ઈન્ટરનેટ પર વિનામૂલ્યે મળે છે પણ પેલા હાથમાં પુસ્તકને પકડીને આંગળીને થોડી જીભ વડે ભીની કરીને પાનાં ફેરવવાની મજા આ સ્ક્રીન પરના પુસ્તકોમાં નહિ જ આવે, ટેકનોલોજી સામેનો કોઈ વિરોધ નથી પણ પેલા પુસ્તકોમાંથી આવતી સુગંધનો અધિકાર કોમ્પ્યુટર સ્ક્રીન ક્યારેય નહિ છીનવી શકે.. ચોપડીઓના પાનાંને વાંચતા વાંચતા જ્યાં અટકતા ત્યાં પાનાને ઉપરની બાજુ થી સહેજ વાળી લેતા એ એંધાણી તો જેને ચોપડી વાંચી હોય તેને જ સમજાય. સાચા અર્થમાં એ જ બુકમાર્ક હતું. પુસ્તકો જ જ્ઞાનનો દીપ ઝળહળતો રાખી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી શકે છે.
પુસ્તકો વાંચતા વાંચતા આપણે મનમાં એક પોતાનું ભાવ વિશ્વ ઉભું કરીએ છીએ, અને પછી એની સાથે વિચારીએ છીએ, ક્યારેક રડીએ છીએ, ક્યારેક છલોછલ હસીએ છીએ.. આપણું મનગમતું પુસ્તક જાણે કે આપના તમામ સવાલોના જવાબ આપતું હોય તેમ લાગે છે માટે જ એને સાચા મિત્રો કહ્યા છે જે કયારેય આપણને દગો નથી આપતા એ વર્ષો પહેલા અને વર્ષો પછી પણ પોતે કહેલા શબ્દો જ કહે છે એ સહેજ પણ બદલાતા નથી. જિંદગીની પ્રાથમિક જરૂરીયાતની જેમ જ પુસ્તકો પણ તેવું વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
વાત ગુજરાતી પુસ્તકોની હોય કે બીજી કોઈ પણ ભાષાની, શરત એ છે કે એ પુસ્તકો વંચાવા જોઈએ, કવિ ઉમાશંકર જોષી , રાજેન્દ્ર શુક્લા, ચંદ્રકાંત બક્ષી, વિનોદ ભટ્ટ, શેક્સ્પીયર, રમેશ પારેખ અને ગુણવંત શાહ જેવા અનેક રચનાકારની રચનાઓ વાંચીએ છીએ ત્યારે સમજાય છે વાસ્તવિક જિંદગીનીએ કેટલી લગોલગ છે, ૨૩ એપ્ર્રીલ ૧૫૬૪માં પ્રખ્યાત નાટ્યકાર અને લેખક વિલિયમ શેક્સપીયરનો જન્મ થયલો અને ૧૯૬૧માં આજ દિવસે તેમનું અવસાન થયેલું જેથી યુનેસ્કો દ્વારા આ દિવસને “ વિશ્વ પુસ્તક દિન” તરીકે મનાવવામાં આવે છે.. માત્ર આ દિવસ માટે જ નહિ પણ હંમેશા પુસ્તકો ખરીદાય, વંચાય, વહેચાય અને તેની ચર્ચા થાય એ ખુબ જ જરૂરી છે.. “આજે વાંચે ગુજરાત” અને “પુસ્તક પરબ” જેવા કાર્યક્રમ દ્વારા લોકોના દીવાન ખંડ સુધી પુસ્તકો પહોંચવામાં સફળ થયા છે ત્યારે એ ગર્વ લેવા જેવી બાબત છે, સમારંભમાં બુકે ને બદલે બુક આપવાની પ્રથા હવે ચાલુ થઇ છે એ સોનેરી સવારની નિશાની છે..
નીરવાણી
“શું તમે પણ મારી જેમ એવું અનુભવ્યું છે કે જેની પાસે પુસ્તક હોય છે તે ક્યારેય એકલા નથી હોતા….?!!”
-નિરવ શાહ