‘ભારત ખેતીપ્રધાન દેશ છે, ખેડૂત જગતનો તાત છે’ આ સત્યને આજની ૨૧મી સદીમાં જૂનાગઢના ગલીયાવાડના ટેકનોસેવી ખેડૂત રસીકભાઈ દોંગાએ પોતાની આગવી સૂઝથી સાબિત કરી બતાવ્યું છે. ૨૧મી સદીમાં વિશ્વની સાથે તાલ મિલાવવા-કદમ મિલાવવા ગુજરાતનો ખેડૂત ટેકનોસેવી બનીને પોતાની ખેત પેદાશોના વેચાણ માટે ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબૂક અને ટ્વિટર જેવાં સોશ્યલ મીડિયાનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરતો થયો છે. આવી જ એક વાત છે જૂનાગઢના ગાલિયાવાડના ખેડૂત રસીકભાઈ દોંગાની.
ખેતીને એક પ્રોફેશનલ વ્યવસાય તરીકે જોવાની દ્રષ્ટિથી રસીકભાઈ દોંગાએ સોશ્યલ મીડિયાને પ્લેટફોર્મ બનાવીને તેના માધ્યમથી ખેત પેદાશો વૈશ્વિક માર્કેટમાં વેંચીને ખેતીની આવક ત્રણ ગણી વધારી છે. જૂનાગઢમાં છેલ્લાં પાંચ વર્ષથી રાસાયણિક દવા વગરની ઓર્ગેનિક શાકભાજી ઘરે ઘરે વેંચવા જતા આધુનિક ખેડૂત રસીકભાઇ દોંગાએ સોશ્યલ મીડિયાના તમામ ટુલ્સનો મહતમ ઉપયોગ કરી મોબાઇલ પરથી જ ગ્રાહકો બનાવી ગુણવતાના આધારે ખેત પેદાશની ઉંચામાં ઉંચી કિમત મેળવી છે.
આ ઉપરાંત તેમણે ઘઉંમાં જરા પણ રાસાયણિક-ઝેરી દવાનું પ્રમાણ નથી તેવું ઓર્ગેનિકનું અમેરિકન સ્ટાન્ડર્ડ-પ્રમાણપત્ર મેળવીને આવતા વર્ષ માટે રૂ.૮૦૦ના મણ લેખે ઘઉનું એડવાન્સ બૂકિંગ પણ લઈ લીધું છે. જેમાં ૫૦ ટકા રકમ પણ એડવાન્સ લેવામાં આવશે. ગત વર્ષે આ ઘઉંનુ વેચાણ પ્રતિ મણ રૂ. ૬૫૦ના ભાવે કરવામાં આવ્યું હતું. આમ જૂનાગઢના આ પ્રગતિશિલ ખેડૂતે સાચા અર્થમાં દેશના ખેડૂતોની આવક વર્ષ-૨૦૨૨ સુધીમાં બમણી કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને બળ આપ્યું છે.
ખેડૂત રસીકભાઈ દોંગા તેમની ૩૫ વીઘા જમીનમાં સંપુર્ણ સજીવ (ઓર્ગેનિક) ખેતી કરે છે. ઘરે એક ગાય રાખે છે અને તેના આધારે ગૌ મુત્ર- અને ગોબરમાંથી જીવામૃત દવા બનાવી શાકભાજીથી માંડીને ઘઉં,તલ અને ચણાનું ઉત્પાદન ખેતી ખર્ચ ઝીરો સુધી લઇ જાય છે. ઓર્ગેનિક ખેતીમાં માર્કેટ મળવાનો પ્રશ્ન હોય છે, પરંતુ રસીકભાઇએ સોશીયલ મીડીયાનો સદઉપયોગ કરીને તેમની ખેત પેદાશના ગ્રાહકો મોબાઇલ પર જ બનાવી દીધા છે. ગુગલ મેપ, ટવીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ઇમેઇલ, લીન્કડઇન, વોટસએપ સહિત તમામ ટુલ્સની તેમણે જાણકારી મેળવી તેના આધારે ખેતી પાક, તેની વિશેષતા, ખાતરી અંગેના સર્ટી, ભાવ અને વેંચાણ અંગેનો કોન્ટ્રાકટ કરી નાંખે છે. સોશિયલ મીડિયા પર ફોટા મુકી, ફેસબુક પર ગ્રાહકની તમામ જરૂરીયાત, તેની ખાતરી અને પુષ્ટી આપી બનેલા ગ્રાહકોનું ગૃપ બનાવી બુકિંગ થતું હોવાથી પ્રગતિશીલ રસીકભાઈ દોંગા છેલ્લા બે વર્ષથી તેની કોઇ પણ ખેત પેદાશને વેંચવા માર્કેટયાર્ડમાં ગયા નથી એટલે કે પોતાની ખેત પેદાશનો ભાવ પોતે જ નક્કી કરે છે નહીં કે વેપારી.
આધુનિક ખેતી કરી પ્રગતિ કરનારા રસીકભાઈ દોંગા કહે છે કે વર્ષ-૧૯૯૭થી હું ખેતી કરતો હતો. પરંતુ મોંઘી પેસ્ટીસાઇડ દવાના કારણે ઉત્પાદન ખર્ચ વધી જતો હતો. પાંચ વર્ષ પહેલા સુભાષ પાલેકરની ગાય આધારિત ઝીરો બજેટ ખેતી વિશે જાણી અને લોકોને ઓર્ગેનીક શાકભાજી, શુધ્ધ અનાજ આપવામાં આવે તો તે વધારે ભાવ આપવા પણ તૈયાર છે તે બાબત ધ્યાન પર આવતા ઓર્ગેનિક ખેતી શરૂ કરી હતી. વડાપ્રધાન દ્વારા ખેતીની આવક બમણી કરવા ઇ-નામ, ઇ-માર્કેટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા અનુરોધ કરતા આ વિશે ખેતી અધિકારીઓ પાસે વધુ વિગતો જાણી તેમજ સોશિયલ મીડિયાના તમામ ટુલ્સનો ઉપયોગ કરીને વચેટીયાના બદલે ગ્રાહક સાથે સીધું જોડાણ કરતા આજે તેમની આવક ત્રણ ગણી થઇ છે તેમ તેમણે જણાવ્યું હતું.
ખેડૂતની સાથે તેમના પત્ની ચંદ્રીકાબેન પણ ખેતીમાં મદદ કરે છે. પ્રગતિશીલ ખેડૂત પતી-પત્નીએ ચાલુ વર્ષે ઘઉં રૂ.૬૫૦ના ભાવે વેંચ્યા છે. હવે તેઓએ યુ.એસ.ડી.એસ. પ્રમાણપત્ર મુંબઇ ખાતે લેબોરેટીરીમાં ટેસ્ટ કરાવીને તેની ખેત પેદાશમાં દવાની અસર ન હોવા અંગેની ખાતરી મેળવી લઇને આવતા વર્ષ માટે રૂ.૮૦૦ ભાવે ઓર્ગેનિક ઘઉંનું બુકિંગ પણ કરી લીધું છે. તેની ૫૦ ટકા રકામ એડવાન્સમાં પણ આવી જશે. આ સખત મહેનત, આગવી સુઝનું પરિણામ છે, તેમ રસીકભાઈ દોંગાએ કહયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ ખાતે યોજાયેલા કિસાન કલ્યાણ મેળામાં રસીકભાઈ દોંગાએ તેમની સફળ ગાથા રજુ કરી અન્ય ખેડૂતોને અને તેના સંતાનો સોશિયલ મીડીયામાં બીન જરૂરી સમય પસાર કરવાને બદલે તેનો ખેતીમાં કંઇ રીતે ઉપયોગ કરી આગળ આવવું તે અંગે માર્ગર્દશન આપ્યું હતું. કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પરસોતભાઇ રૂપાલાએ આ ખેડૂતને જૂનાગઢ જિલ્લાના બેસ્ટ આત્મા ફાર્મરનો એવોર્ડ રૂ.૨૫૦૦૦ની રાશિ આપી ખેડૂતનું સન્માન કર્યું હતું. મંત્રીએ રસીકભાઇને બીજા ખેડૂતને પણ તેની સાથે રાખી તેની પેદાશની યોગ્ય કિંમત મળે તે માટે આ પ્રકારના ખેતીના વેપારનું નેતૃત્વ લેવા આ પ્રસંગે અનુરોધ કયો હતો.